Get The App

ગાયત્રી ડેવલોપર્સના ભાગીદારો સામે સી.આઇ.ડી.માં છેતરપિંડીની ફરિયાદ

લેન્ડ એન્ડ એસ્ટેટ બ્રોકર પાસે અઢી કરોડનું રોકાણ કરાવી ખોટી સહીઓ કરી પાર્ટનરશિપમાંથી છૂટી કરી દીધા હોવાનો આક્ષેપ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
ગાયત્રી ડેવલોપર્સના ભાગીદારો સામે સી.આઇ.ડી.માં છેતરપિંડીની ફરિયાદ 1 - image

વડોદરા,લેન્ડ એન્ડ એસ્ટેટ બ્રોકરને પાર્ટનર બનાવી સ્કીમ અને જમીનમાં અઢી કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મે. ગાયત્રી ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો સામે સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોનમાં દાખલ થતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા  લેન્ડ એન્ડ  એસ્ટેટ બ્રોકર રોહિત નવનીતલાલ શાહે સી.આઇ.ડી. ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેસર્સ ગાયત્રી ડેવલોપર્સ પેઢીના મુખ્ય સંચાલક વાસુભાઇ ચુનીભાઇ પટેલ આમ્રપાલી  નામથી કન્સટ્રક્શન સ્કીમો ચલાવે છે.  તેઓ સાથે મારે છેલ્લા ૨૫ વર્ષથી સંબંધ છે. વર્ષો પહેલા વાસુભાઇ તથા ગોપાલ પરીખ સાથે ભાગીદારીમાં અલકાપુરી ખાતે એક પ્લોટ ખરીદ કર્યો હતો. જેમાં બાંધકામ પહેલા હું છૂટો થઇ ગયો હતો. વર્ષ - ૨૦૧૭ માં વાસુભાઇએ મને કહ્યું કે, અટલાદરા વિસ્તારમાં ૧૮,૨૧૨ ચો.મી. જગ્યા ૫૬ કરોડમાં જોઇ છે. તેમાં રોકાણ કરશો તો તમને સારો નફો થશે. રોકાણ કરેલા રૃપિયા બે થી ત્રણ વર્ષમાં ડબલ થઇ જશે. મેં અમેરિકા રહેતી મારી દીકરી સાથે વાત કરતા તેણે રસ દાખવ્યો હતો. જેથી, મેં વાસુભાઈને ભાગીદાર થવા માટે વાત કરી હતી. મારી દીકરીએ કુલ ૨.૭૫ કરોડનું રોકાણ  કર્યુ હતું. જે બાબતનો કરાર તા. ૦૫ - ૦૪ - ૨૦૧૯ ના રોજનો વાસુભાઇએ કરી આપ્યો હતો. વાસુભાઇએ મે. ગાયત્રી ડેવલોપર્સની પેઢીમાં વર્ષ - ૨૦૧૭ માં મારી દીકરીને ૧૩.૫ ટકાની ભાગીદાર બનાવી હતી. વર્ષ - ૨૦૧૮ માં મારી દીકરીને ૨૨.૫ ટકાની ભાગીદાર બનાવી હતી. જેની પાર્ટનરશિપ ડીડ તા. ૦૩ - ૦૭ - ૨૦૧૮ ના રોજનું છે. જે નોટરાઇઝ કરાવેલું છે. તેમાં મારી દીકરી વતી મેં સહી કરી છે. જેની માટે મારી દીકરીએ મને પાવર લખી આપ્યો હતો. ત્યારબાદ તા. ૦૧ - ૦૧ - ૨૦૧૯ ના રોજના પાર્ટનરશિપ ડીડમાં મારી દીકરીને ભાગીદાર તરીકે છૂટા  કર્યાનું લખાણ હતું. જેમાં મારી સહી લીધી છે.પંરતુ, નોટરી રૃબરૃ સહી કરવા હુ ંગયો નથી. વર્ષ - ૨૦૨૩ માં મને જાણવા મળ્યું હતું કે, અમને પાર્ટનરમાંથી કાઢી નાંખ્યા છે. અમે વાસુભાઇને વાત કરતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતા.  આમ, વાસુભાઇ તેમના દીકરા રચિત તથા અન્ય ભાગીદારોએ ભેગા મળીને ખોટા પાર્ટનરશિપ ડીડ બનાવી  પેઢી રજિસ્ટર કરાવી તેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરી મારી દીકરી તથા મારી બનાવટી સહીઓ કરી અમારા રોકાણની મૂડી લઇ વેપારી તરીકે અમારી સાથે છેતરપિંડી કરી છે. 


સેટલમેન્ટમાં ૫.૩૫ કરોડ આપવાનું કહીને ફરી ગયા

કાચા લખાણ પર વકીલ, સી.એ., બિલ્ડર તથા અન્યએ સહીઓ કરી હતી

 વડોદરા,બ્રોકરે પોલીસને જણાવ્યું હતું કે, લોકોને મધ્યસ્થી બનાવી વાતચીત કરતા તા. ૩૦ - ૦૪ - ૨૦૨૩ ના  રોજ સેટલમેન્ટ થયું હતું અને કાચા કાગળ પર લખાણ થયું હતું. જેમાં અમને ઉચ્ચક ૫.૩૫ કરોડ આપવાનું નક્કી થયું હતું. તે રકમ  પેટે અટલાદરાની આમ્રપાલી સ્કીમના ત્રણ ટ્રિપ્લેક્સ, અલકાપુરીની આઇકોન - ૪૨ નામની સ્કીમનો એક ફ્લેટ તથા ૭૦ લાખ રોકડા આપવાનું નક્કી થયું હતું. કાચા કાગળ પર વાસુભાઇ, મારી દીકરી, હસમુખભાઇ વકીલ, સી.એ. સંજય શાહ, બિલ્ડર સંજય પટેલ તથા મેં સહીઓ કરી હતી. થોડા સમય પછી વાસુભાઇ તથા તેમના દીકરાએ કહ્યું હતું કે, ઉપરોક્ત સમજૂતી બાબતે કંઇ કરવાનું નથી. કાયદેસર જે થાય તે કરી લો. અમારે કોઇ પૈસા ચૂકવવાના નથી.


બે વખત ફરિયાદ કરવા છતાંય  પોલીસે ગુનો દાખલ ના કર્યો 

 વડોદરા,આ  ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું  છે કે, મારી દીકરીએ અગાઉ બે વખત  પોલીસ કમિશનર કચેરીમાં  ફરિયાદ કરી હોવાછતાંય ગુનો દાખલ કર્યો નથી. ખોટી સહીઓ અંગે વડોદરા પોલીસે અમારી સહીના નમૂના લઇ એફ.એસ.એલ.ખાતે મોકલી  રિપોર્ટ આવવા પર બાકી હોવાનું જણાવ્યું છે.


૧૦ વ્યક્તિઓ સામે સી.આઇ.ડી.ક્રાઇમે ગુનો દાખલ કર્યો

વડોદરા,સી.આઇ.ડી.માં દાખલ થયેલી ફરિયાદમાં કુલ ૧૦ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં (૧) મે.ગાયત્રી ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢી ( સાઇટ એડ્રેસ, આમ્રપાલી રેસી.કોમ, શ્યામલ એન્કલેવ સામે, સનફાર્મા રોડ) (૨) રચિત વાસુભાઇ પટેલ ( ૩) વાસુભાઇ ચીમનભાઇ  પટેલ ( રહે. ફ્રેન્ડ્સ કો.ઓ.સોસાયટી, અલકાપુરી) (૪) પ્રવિણ ચીમનભાઇ પટેલ (રહે. આમ્રપાલી કોમ્પલેક્સ, કારેલીબાગ) (૫) જયેશભાઇ આર.ખંડેરીયા (રહે. સમર્પણ બંગ્લોઝ, વાસણા રોડ) (૬) ચંદ્રમોહન હસમુખલાલ શાહ  (૭) યોગેન્દ્ર હસમુખલાલ શાહ ( બંને  રહે. શ્રેણિક પાર્ક સોસાયટી, અકોટા) (૮) ભાવિન ભરતભાઇ પટેલ (૯) નીનાબેન કનુભાઇ  પટેલ ( રહે. શાંતિવિલા ડૂપ્લેક્સ, માંજલપુર) તથા (૧૦) જયેન્દ્રભાઇ બી. પટેલ (રહે.વિજય સોસાયટી, આર.વી.દેસાઇ રોડ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News