લોન પેટે બાકી નિકળતા રૂા.10 લાખ ન ચુકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
લોન પેટે બાકી નિકળતા રૂા.10 લાખ ન ચુકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ 1 - image


વડોદરાની મહિલા તથા તેના પાર્ટનરે ટ્રક વેચાણ રાખ્યા બાદ 

બોરસદના શખ્સે ઠગાઇ અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

આણંદ: આણંદ જિલ્લાના બોરસદ શહેરના એક શખ્સે ઓએલએક્સ ઉપર ટ્રક વેચાણ કરવા જતા વડોદરાની એક મહિલા સહિતના બે શખ્સોએ ટ્રક વેચાણ રાખવા અંગેનું લખાણ કર્યા બાદ ટ્રક લઈ લોન પેટે બાકી રહેતા રૂા.૧૦ લાખ ઉપરાંતની રકમ ન ચૂકવી છેતરપિંડી આચરી હોવા અંગે બોરસદ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે વડોદરાની મહિલા સહિતના બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદની રબારી કોલોની ખાતે રહેતા નિતીનભાઈ નાગજીભાઈ રબારી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓને પોતાની ટ્રકનું વેચાણ કરવું હોય ગત માર્ચ માસમાં તેઓએ ઓએલએક્સ ઉપર ટ્રક અંગે માહિતી મુકી હતી.  જેના આધારે વડોદરાના દરજીપુરા ખાતે રહેતા પાયલબેન ખીમજીભાઈ પટેલે તેઓનો ફોનથી સંપર્ક કરી ટ્રકની વેચાણ કિંમત અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ ગત તા.૧૬મી માર્ચ ૨૦૨૩ના રોજ પાયલબેને ફોન કરીને તેઓના પાર્ટનર રાકેશભાઈ ટ્રક જોવા માટે આવશે તેમ કહ્યું હતું.

 બાદમાં રાકેશભાઈને ટ્રક બતાવી રૂા.૧૧.૭૫ લાખમાં ટ્રક વેચાણનો સોદો નક્કી થયો હતો. તા.૧૮મી માર્ચના રોજ સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ અંગે લખાણ કરાયું હતું અને તે વખતે રૂા.૨૧ હજાર ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે રાકેશભાઈ ટ્રક લેવા આવ્યા હતા અને રૂા.૪ હજાર ચૂકવ્યા હતા. બાદમાં અલગ અલગ દિવસોએ અલગ અલગ રકમ મળી કુલ્લે રૂા.૧.૬૫ લાખ ઓનલાઈન આપ્યા હતા અને બાકીના રૂા.૧૦.૧૦ લાખ ફાયનાન્સ કંપનીમાં લોન બાકી હોઈ આ નાણાં પાયલબેને ભરવાનું જણાવ્યું હતું. જેથી તેઓને આ અંગે માહિતી આપી હતી અને પાયલબેને એક મહિનામાં બાકી નીકળતા નાણાં ચૂકવી આપશે તેમ કહ્યું હતું. ત્યારબાદ પાયલબેને ફાયનાન્સનો રૂા.૪૦૯૫૦નો હપ્તો ભર્યો હતો પરંતુ ત્યારબાદ તેઓએ લોન ભરપાઈ કરી નહતી. આ અંગે અવારનવાર પાયલબેનને ફોન કરી લોન ક્લીયર કરવાનું કહેતા તેઓએ વાયદા કર્યા હતા અને અંતમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી નિતીનભાઈએ વડોદરા ખાતે જઈ તપાસ કરતા પાયલબેન કે રાકેશભાઈ મળ્યા ન હતા અને ત્યારબાદ અન્ય ફોન નંબર ઉપર સંપર્ક કરવા છતાં લોન ભરપાઈ કરી ન હતી. જેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલૂમ પડતા નિતીનભાઈ રબારીએ પાયલબેન ખીમજીભાઈ પટેલ તથા તેમના પાર્ટનર રાકેશભાઈ ઓમપ્રકાશ યાદવ (બંને રહે.વડોદરા) વિરુધ્ધ બોરસદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News