પોલીસ જવાન સાથે માથાકૂટ કરતા સાળા બનેવી સામે ફરિયાદ
તમે સાવ નવરા છો, અવાર - નવાર આવીને અમને હેરાન કરો છો
વડોદરા,જપ્તી વોરંટની બજવણી કરવા ગયેલા પોલીસ સાથે માથાકૂટ કરનાર સાળા બનેવી સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંકલન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા બજાવતા ભરતસિંહે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે અમે ફેમિલી કોર્ટનું જપ્તી વોરંટની માહિતીના આધારે આરોપી વૈભવ રત્નાકરભાઇ બામનેલકર (રહે. વ્રજધામ સોસાયટી, સુશેન તરસાલી રોડ) ના ઘરે તપાસ માટે ગયા હતા. તે સમયે તેનો ભાઇ ગૌરવ ઘરે હતો. તેણે અમને કહ્યું હતું કે, તમે અહીંયા કેમ આવ્યા છો ? તેણે ફોનમાં વીડિયો ઉતારવાનું ચાલુ કરી દીધું હતું અને બોલાચાલી કરવા લાગ્યો હતો. જેથી, અમે તેને વોરંટ બાબતે વાકેફ કર્યા હતા. તમે સાવ નવરા છો. અવાર - નવાર આવીને અમને હેરાન કરો છો. તેવું કહીને મારૃં આઇ કાર્ડ માંગતા મેં આઇ કાર્ડ બતાવ્યું હતું. ગૌરવના ઘરેથી કોઇએ તેમના બનેવી કેતન પ્રકાશચંદ્ર સોલંકી ( રહે. ચંદન એપાર્ટમેન્ટ, ભાટવાડા, વાડી)ને જાણ કરી દેતા તેઓ પણ થોડીવારમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે, તમે પોલીસ જેવા લાગતા નથી અહીંયા ઘરે તપાસ કરવા ના આવીશ. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.