હિન્દુ યુવતીના વાહિદ સાથેના ફોટા વાયરલ કરનાર વાહિદના બે મિત્રોએ યુવતીના પિતા પાસે 50 લાખની ખંડણી માંગી
વડોદરાઃ હિન્દુ યુવતીના વાહિદ સાથેના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વાહિદના બે મિત્રોએ યુવતીના પિતા પાસે રૃ.૫૦ લાખની માંગણી કરતાં પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી છે.
યુવતીના પિતાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૬ઠ્ઠી જુલાઇએ મારા કોમ્પ્લેક્સ ખાતે ઇમરાન પટેલ નામનો શખ્સ આવ્યો હતો અને મેં તેને મળવાનો ઇનકાર કરતાં તેણે મને ફોન કરી તમારી દિકરી અને વાહિદે ૫૦ લાખનું કૌભાંડ આચર્યું છે અને તમારે પૈસા આપવાના છે તેમ કહેતાં મેં પુરાવા માંગ્યા હતા.
ત્યારબાદ ઇમરાન પટેલને મળવા હું ગેટ પર જતાં તેણે મોબાઇલમાં મારી પુત્રી અને વાહિદ ભટ્ટી(ડાભા,જંબુસર)ના ફોટા તેમજ સગાઇના ફોટા બતાવ્યા હતા.જેથી મેં ૫૦ લાખના પુરાવા માંગતા પછી આપીશ તેમ કહી ચાલ્યો ગયો હતો.ત્યાર પછી તે વારંવાર મેસેજો અને વોટ્સઅપ કોલ કરી ૫૦ લાખ માંગતો હતો.તા.૭મીએ તેણે સૈયદ તાહીર ઇન્દ્રીશ(ડાભા,જંબુસર)ના નામે હાથથી લખેલી એક અરજી મોકલી હતી.જેમાં મારી પુત્રી, વાહિદ અને મારૃં નામ હતું.મને ઇન્ટવ્યૂ લેવું છે ક્યાં મળશો તેમ કહેતાં મેં પોલીસને જવાબ આપીશ તેમ કહ્યું હતું.
યુવતીના પિતાએ કહ્યું છે કે,તા.૧૬મી જુલાઇએ ઇમરાન પટેલે મારી પુત્રીના ૨૦ ફોટા અને ચાર વીડિયો મોકલી મારી પાસે પેન ડ્રાઇવમાં તમારી પુત્રીના ગાયનેક રિપોર્ટ છે તેમ કહી ડોક્ટરને બોલાવવાની વાત કરી હતી.જેથી મેં તેને ફોટા-વીડિયો મોકલવાનું બંધ કરવા કહ્યું હતું.ત્યારબાદ તપાસ કરતાં ઇમરાનનું સાચું નામ શબ્બીર હુસેન અલ્લાઉદ્દીન શેખ(તાંદલજા) હોવાનું અને વાહિદે જ તેને ફોટા અને ચેટ મોકલી હોવાનું તેમજ ત્રણેય જણા એક જ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ગોત્રી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.