વડોદરા તાલુકાના વિરોદ ગામની જમીન પડાવી લેવા માટે કારસો રચાયો : બે ભાઈ સામે ફરિયાદ
Vadoara Crime News : કહેવત છે કે 'જર, જમીન અને જોરું કજીયાના છે છોરું' આ ત્રણ મુદ્દે એક જ લોહીના સંબંધોમાં તકરાર થઈ જતી હોય છે આવો જ એક કિસ્સો વડોદરા તાલુકાના વિરોદ ગામેથી બહાર આવ્યો છે. જમીન માલિક મહિલા વિદેશ હોવા છતાં તેના નામની ડુપ્લીકેટ મહિલા ઊભી કરી જમીનના દસ્તાવેજો બોગસ બનાવી સહીઓ કરાવી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હોવાની ન્યૂઝીલેન્ડમાં વસતા મૂળ વિરોદના તેમના બંને ભાઈ સામે ફરિયાદ નોંધાવાઇ છે.
મંજુસર પોલીસ મથકથી મળતી વિગત મુજબ મુંબઈ મહારાષ્ટ્રમાં દહીંસર ઇસ્ટમાં નોર્થ હાઈટ્સમાં રહેતા બંસીલાલ કાળીદાસ પટેલના પત્ની અનસુયાબેને ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા મગન ઈશ્વરભાઈ પટેલની જમીન વિરોદ ગામે આવેલી છે. અનસુયાબેન તે જમીનના સીધી લીટીના વારસદાર છે. અનસુયાબેન વિદેશ ગયા હતા દરમિયાન તેમના બે ભાઈ પ્રવીણ મગન પટેલ અને નરેશ મગન પટેલ બંને હાલ ન્યૂઝીલેન્ડમાં વસે છે. તેમણે વારસાઈ જમીનમાંથી બેન અનસુયાનું નામ કાઢી નાખવા માટે એક અજાણી મહિલાને અનસુયાબેન તરીકે વિરોદ ગ્રામ પંચાયતમાં તલાટી સમક્ષ ઉભી કરી હતી અને પંચો સમક્ષ જમીન વેચાણ માટે સહી કરાવી હતી. તેને કારણે અનસુયાબેનનો જમીનનો હક ડૂબી જતો હતો. તેની જાણ અનસુયાબેનને થતા પોતાની સાથે છેતરપિંડી થયો હોવાની ફરિયાદ બંને ભાઈ સામે નોંધાવી હતી.