વડોદરા પોલીસને ધક્કો મારી મુંબઇમાં ફરાર થઇ ગયેલા આંતરરાજ્ય ચોર સામે ફરિયાદઃCCTV ને આધારે તપાસ
વડોદરાઃ મુંબઇ તપાસમાં ગયેલી વડોદરા પોલીસને ધક્કો મારીને ફરાર થઇ ગયેલા આંતરરાજ્ય ચોરને પકડવા માટે વડોદરા અને મુંબઇ પોલીસ દ્વારા ગુનો નોંધી સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે.
મુંબઇ,અમદાવાદ,સુરત જેવા શહેરોમાં ઓનલાઇન સર્ચ કરી મોબાઇલ શોપ શોધ્યા બાદ સ્કૂટર પર આખો દિવસ મુસાફરી કરી ચોરી કરતા રીઢા ચોર રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા(રામનગર, કલ્યાણ,મહારાષ્ટ્ર)ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસ પહેલાં તરસાલી વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.
રામનિવાસે અકોટાની મોબાઇલ શોપમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતાં તેને જે પી રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો.જ્યાંથી તેને વધુ તપાસ માટે મુંબઇના થાણે ખાતે લઇ જવાયો હતો.
આ દરમિયાન ગઇકાલે બપોરે બાર વાગ્યાના અરસામાં થાણે પોલીસ સ્ટેશનમાં વડોદરા પોલીસના બે જવાનો નાહવા ગયા હતા અને બીજા ત્રણ હાજર હતા ત્યારે પોલીસને ધક્કો મારી રામનિવાસ ફરાર થઇ ગયો હતો.જેથી વડોદરા પોલીસે થાણે પોલીસમાં ચોર સામે ગુનો નોંધાવ્યો છે.વડોદરા અને મુંબઇ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ ના આધારે ચોરને શોધવામાં આવી રહ્યો છે.