ત્રણ વખત તલાક બોલીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા પતિ સામે ફરિયાદ
સાસુએ ગરમ તેલનો ઝારો હાથ પર અડાડી દેતા પરિણીતા દાઝી ગઇ
વડોદરા,દહેજની માંગણી કરીને પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયાઓ વિરૃદ્ધ બાપોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાણીગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન મે - ૨૦૨૨ માં આજવા રોડ કિસ્મત કોલોનીમાં રહેતા શાહિદખાન સાજીદખાન પઠાણ સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી સાસરિયાઓએ મારા પર ત્રાસ ગુજારવાનું શરૃ કર્યુ હતું. દહેજમાં બે લાખ લઇ આવવાનું કહીને મારા ઘરકામમાં વાંધા કાઢી તેઓ ત્રાસ આપતા હતા. એક વખત મારા સાસુએ ગરમ તેલનો ઝારો મારા હાથ પર અડાડી દેતાં હું દાઝી ગઇ હતી. મારા પતિ પણ મારા સાસુનું ઉપરાણું લઇને મારી સાથે મારઝૂડ કરતા હતા. ગત તા.૧૦મી એ મારા સાસુએ મારી સાથે ઝઘડો કરતા મારા પતિએ તેમનું ઉપરાણું લઇને મારૃં ગળું પકડી માથામાં મુક્કો મારી દીધો હતો. મારા જેઠની ચઢમણીથી પતિએ ત્રણ વખત તલાક બોલી મને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકી હતી. મેં મારા માતા પિતાને સમજાવવા માટે બોલાવતા મારા પતિએ કહ્યું હતું કે, મેં ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી દીધા છે. તમારી દીકરીને તમારા ઘરે લઇ જાવ. જેથી, હું મારા દીકરા સાથે પિયરમાં આવી ગઇ હતી. મારો સંસાર ના બગડે એટલે મારા મામા સમજાવવા માયે ગયા તો મારા પતિએ કહ્યું કે, ઇસ્લામ શરિયત મુજબ મેં ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી દીધા છે. હવે અમે તેને ઘરે રાખવાના નથી. તમારી દીકરીને તમારા ઘરે રાખો.