10 ટકા વ્યાજ વસૂલવા ત્રાસ ગુજારી યુવકને આપઘાત માટે મજબૂર કરનાર ચાર સામે ગુનો
વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં બે દિવસ પહેલાં ફાંસો ખાઇ આપઘાત કરનાર યુવકના બનાવમાં ડાયરીમાંથી હિસાબો સાથે સ્યુસાઇડ નોટ મળી આવતાં ગોરવા પોલીસે વ્યાજ વસૂલવા માટે ધમકી આપતા ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
વાસણારોડની સરોજ પાર્ક સોસાયટીમાં રહેતા દક્ષેશ પટેલે તેમના નાના ભાઇ અલ્પેશ પટેલે બે દિવસ પહેલાં કરેલા આપઘાતના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે કહ્યું છે કે,સુભાનપુરાની સૂરજ સોસાયટીમાં રહેતો મારો નાનોભાઇ અલ્પેશ શેરબજારનું કામ કરતો હતો.તેની અંતિમક્રિયા બાદ કબાટ તપાસતાં હિસાબની ડાયરી મળી હતી.
આ ડાયરીમાં ચાર પેજમાં માર્ચ-૧૮ની જુદીજુદી તારીખના હિસાબોનો ઉલ્લેખ કર્યો હતો.જે પૈકી એક પેજમાં સ્યુસાઇડ નોટ મળી આવી હતી.અલ્પેશે લખ્યું હતું કે,હું પુરા હોંશ માં છું.આજે મારી જાતને કસુરવાર માનું છું.હવે આ દુનિયા છોડીને જઇ રહ્યો છું.મારું મરવાનું કારણ લીધેલા પૈસા નહિં ચૂકવી શક્યો તેનું છે.
અલ્પેશની સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે,મને મારા મિત્રએ મદદ કરી હતી.પરંતુ તેણે મારી પાસે ૧૦ ટકા પણ લીધા છે.શુક્રવારે બંટી,પરેશ અને રાકેશ મને મળવા આવ્યા હતા.પરેશે મંગળવાર સુધીમાં રૃપિયા નહિં મળે તો જોઇ લેે જે તેમ કહી ધમકાવ્યો હતો. મારી પાસે વ્યવસ્થા નહિં થતાં બંટી ફોન કરી સમજાવતો હતો અને સારું નહિં થાય તેમ કહેતો હતો.બંટીએ મારી મમ્મીના ચેકો લઇ લીધા છે અને કેસ કરવાની ધમકી આપે છે.મારીપાસે મરવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી.હું રોજ મરીને જીવતો હતો.
ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે બંટી,પરેશ રબારી,રાકેશ અને સોહિલભાઇ નામના ચાર જણા સામે અલ્પેશને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે.