શિક્ષકને ૨૦ ટકાના વ્યાજે આપતા સુરેન્દ્રનગરના વ્યાજખોર સામે ફરિયાદ
૧૦.૫૦ લાખની સામે ૧૮.૩૩ લાખ ચૂકવવા છતાંય વધુ ૨૦ લાખની માંગણી કરી કોર્ટમાં કેસ કર્યા
વડોદરા,સુરેન્દ્રનગરના વ્યાજખોર પાસે ૨૦ ટકાના વ્યાજે રૃપિયા લેનાર શિક્ષકે ૧૦.૫૦ લાખની સામે ૧૮.૩૩ લાખ ચૂકવી દીધા હોવાછતાંય વધુ ૨૦ લાખની માંગણી કરવામાં આવતી હતી. જે અંગે શિક્ષકે વ્યાજખોર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાણીગેટ બાવામાનપુરા અમરોહા કોલોનીમાં રહેતા તોસીફ ઈકબાલભાઈ મદારી રફાઈ પબ્લિક સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષક તરીકે નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ હું જૂની કાર લે - વેચ નો ધંધો કરતો હતો. જે ધંધા માટે મારે રૃપિયાની જરૃર પડતા મેં મારા મિત્ર તોસિફ અજીજભાઈ મેમણ (રહે. જૂનીગઢી)ને વાત કરી હતી. તેણે મને જણાવ્યું હતું કે, મારા માસીના દીકરા ઇમરાન હારૃનભાઈ જીંદાણી (રહે. અમન પાર્ક, સુરેન્દ્રનગર ) પાસે લાયસન્સ નથી. પણ તે જરૃરિયાતમંદ લોકો પાસે સિક્યુરિટી પેટે ચેક લઇ ૨૦ ટકાના વ્યાજે રૃપિયા આપે છે. મેં વર્ષ ૨૦૨૧ માં કુલ ૧૦.૫૦ લાખ રૃપિયા ૨૦ ટકાના વ્યાજે લીધા હતા. તેણે મારી પાસેથી સિક્યુરિટી ચેક લીધા હતા. ઓગસ્ટ ૨૦૧૨ થી માર્ચ ૨૦૨૩ સુધીમાં મેં ઇમરાન જીંદાણીના કહેવાથી અલગ- અલગ તારીખોમાં તેની પત્ની નજરાના તથા બીજી પત્ની રૃબીનાના ખાતામાં ૪.૧૪ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. મેં ઓનલાઇન પેમેન્ટથી કુલ ૪.૬૪ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. તેમજ આંગડિયા પેઢીથી ૮.૬૯ લાખ ચૂકવ્યા હતા. અગાઉ હું બોરસદની હનિફા હાઇસ્કૂલમાં નોકરી કરતો હતો. તે સમયે મારી પાસેથી પાંચ લાખ રૃપિયા રોકડા અમારી સ્કૂલના ટ્રસ્ટી જુબેર ગોપલાણીની હાજરીમાં આરોપી લઇ ગયા હતા. અત્યારસુધી મેં કુલ ૧૮. ૩૩ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. મુદ્દલ રકમ કરતાં વધારે વ્યાજ પેટ ે૭.૮૩ લાખ ચૂકવ્યા હોવા છતાં બીજા ૨૦ લાખની માંગણી કરવામાં આવી હતી. મેં રૃપિયા નહીં આપતા મારા આપેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવી ચેક રિટર્નના કેસ સુરેન્દ્રનગરની કોર્ટમાં કર્યા છે.