આતંકી પ્રવૃત્તિને કારણે ગ્રાહકોની નોંધણી નહિં રાખનાર સયાજીગંજની બે હોટલના મેનેજરો સામે ફરિયાદ
વડોદરાઃ આતંકી પ્રવૃત્તિને અનુલક્ષીને હોટલોમાં રોકાતા ગ્રાહકોની નોંધણી ફરજિયાત બનાવી પથિક સોફ્ટવેરમાં તેની માહિતી અપલોડ કરવાની સૂચનાનો અમલ નહિં કરનાર સયાજીગંજની બે હોટલના મેનેજર સામે કાર્વયાહી કરવામાં આવી છે.
આતંકીઓ રેકી કરવા કે તેમનું કામ પાર પાડવા માટે હોટલ,લોજ,ધર્મશાળા,ગેસ્ટ હાઉસો જેવા સ્થળોએ આશરો લેતા હોવાના ભૂતકાળમાં બનાવો બન્યા હતા.જેથી બહારથી આવતા મુસાફરોની તમામ વિગતો રાખવા અને પોલીસના પથિક સોફ્ટવેરમાં તેની માહિતી અપલોડ કરવા તેમજ હોટલના સીસીટીવીના બેકઅપ ત્રણ મહિના રાખવા માટે સૂચના આપવામાં આવી છે.
શહેર પોલીસકમિશનરના જાહેરનામાનો અમલ કરવા માટે એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમ દ્વારા આજે સયાજીગંજ અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન બે હોટલોના સંચાલકો દ્વારા ગ્રાહકોની માહિતી રાખવામાં નહિં આવી હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસે પીએમ રિજન્સીના મેનેજર મહેશસિંહ દિવાનસિંહ મહેતા(પીથોરા, નૈનિતાલ,ઉત્તરાખંડ) અને કુરાત ઇન્ટરનેશનલ હોટલના મેનેજર મેહુલ મહેન્દ્રભાઇ શાહ (અક્ષરગ્રીન ફ્લેટ્સ,અટલાદરા,વડોદરા) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.