પ્રેમ સંબંધનો અંત લાવવાનું કહેનાર યુવતીને હેરાન કરતા પ્રેમી સામે ફરિયાદ
- યુવતીએ પ્રેમ સંબંધનો અંત લાવવાનું કહેતા છંછેડાયેલા પ્રેમીએ યુવતીને ધમકી આપવાનું શરૂ કર્યું હતું જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર
વડોદરાના આજવા રોડ પર આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અગાઉ હું મારા પરિવાર સાથે મોરબી રહેતી હતી મારે એક યુવક હિત્વેશ અશોકભાઈ રાજગુરુ રહેવાસી ભક્તિનગર સોસાયટી તળાજા રોડ ભાવનગર સાથે ચાર વર્ષ પહેલાં ફેસબુક પર મિત્રતા થઈ હતી. ત્યારબાદ અમે એકબીજાના પ્રેમમાં હતા અમે લગ્ન કરવા માગતા હતા. જેની જાણ હિત્વેશે મારી બહેનને દોઢ વર્ષ પહેલા કરી હતી. પરંતુ મારી બહેને તે સમયે કહ્યું હતું કે અત્યારે મારી બેનની ઉંમર લગ્ન કરવાની નથી સમય આવે હું મારા પિતાને તમારી વાત કરીશ.
ત્યારબાદ મારા ભાઈનું મરણ થતાં મારા પિતા આઘાતમાં હોવાથી આ બાબતની વાત મારા પિતાને કરી ન હતી. આ યુવક અન્ય જ્ઞાતિનો હોય તો તેની સાથે લગ્નની વાત કરું તો મારા પિતાને વધુ આઘાત લાગે તેમ હોવાથી મેં હિત્વેશને સંબંધ પુરા કરી દેવા કહ્યું હતું. પરંતુ તે સમજવા તૈયાર ન હતો અને અવારનવાર ફોન કરી ધમકી આપતો હતો. મેં તેનો નંબર બ્લોક કરી દેતા તેણે મારી બહેનને પણ ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
ગત છઠ્ઠી તારીખે રાત્રે એક વાગે અમારી હોસ્પિટલના ડોક્ટરને મોબાઈલ ફોન કરી હિત્વેશ ગાળો આપી હતી. તેમજ અમારા નર્સિંગ સ્ટાફના ઇન્ચાર્જને પણ ફોન પર ગાળો બોલ્યો હતો.