જૂના ઝઘડાની અદાવત રાખી યુવકને રોકી ધમકી આપી
અમારી સોસાયટીમાં આવીશ તો તારૃં પિક્ચર પૂરૃં કરી નાંખીશ
વડોદરા,અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં દૂધનો ધંધો કરતા યુવકને પિતા અને બે પુત્રોએ ધમકી આપી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ.પી.રોડ પર હરિઓમ સોસાયટીમાં રહેતો રાજેશ ખીમાભાઇ ગઢવી રામદેવ નગરમાં આઇ શ્રી ખોડિયાર દૂધ ડેપોના નામથી ડેપો ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૮મી સવારે સાડા નવ વાગ્યે હું મારી બાઇક લઇને દૂધ આપવા માટે મુખી નગર પાસે સિદ્ધાર્થ સોસાયટીમાં ગયો હતો. તે સમયે લાખાભાઇ ગઢવીએ મને બૂમ પાડીને કહ્યું હતું કે, ઉભો રહે. મેં કહ્યું કે, હું દૂધ આપીને આવું. હું દૂધ આપીને પાછો આવ્યો ત્યારે લાખાભાઇ ગઢવી મને ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે, આ તમારા પિતાની સોસાયટી નથી. લાખાભાઇ ગઢવી તથા તેમના પુત્ર અનુપ ગઢવી લાકડી લઇને મારા પર હુમલો કરવા આવતા હતા અને ધમકી આપી હતી કે, અહીંયા અમારી સોસાયટીમાં ના આવતો નહીંતર તારૃં પિક્ચર પૂરૃં કરી નાંખીશ. ત્યારબાદ રાતે દશ વાગ્યે હું મારી દુકાને બેઠો હતો. તે સમયે હરિશ ઉર્ફે ભાયો ગઢવીએ આવીને ગાળો બોલી ધમકી આપી કે, તું દૂધ દેવા નીકળ તને પતાવી દઇશ. ઉલ્લેખનીય છે કે, અનુપ ગઢવી ભાજપ શહેર બક્ષીપંચ મોરચામાં મંત્રી છે. અગાઉ પણ તે દારૃના કેસમાં પકડાયો હતો.