Get The App

બોરસદની વિધવા સાથે 20.71 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
બોરસદની વિધવા સાથે 20.71 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ 1 - image


પિતા-પુત્રએ ચુનો લગાવ્યો

શેર માર્કેટિંગમાં ધંધો કરવાના નામે રૂપિયા પડાવ્યા પછી પરત જ ન કર્યા

આણંદ: બોરસદની એક વિધવા મહિલા સાથે તેણીના પરિચીત પિતા-પુત્રએ ૨૦.૭૧ લાખ રોકડા તથા સોનાના દાગીનાનો ચુનો ચોપડતા બોરસદ શહેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે.

બોરસદના શ્રધ્ધાનગર ખાતે રહેતા મીનલબેન પંકજકુમાર જોષીના પતિનું વર્ષ-૨૦૦૮માં અવસાન થયું હતું. બાદમાં તેઓ પીટી શિક્ષક સંદિપભાઈ પંડયાના પરિચયમાં આવ્યા હતા અને તેમના થકી તેમની બહેન હિનાબેન અને ત્યારબાદ ખેડા મહાલક્ષ્મી મંદિર નજીક રહેતા તેમના પતિ તુષારભાઈ રમેશચંદ્ર શુક્લા સાથે પરિચય થયો હતો અને ઘરે અવર-જવરના સંબંધો બંધાયા હતા. 

તુષારભાઈ શેર માર્કેટીંગનો ધંધો કરતા હોઈ વર્ષ-૨૦૧૨માં તેઓને નાણાંની જરૂર પડતા તેઓએ મિનલબેનને વાત કરતા તેણીએ પતિના ઘરના વેચાણમાંથી ફીક્સ ડીપોઝીટ કરાવેલ રકમમાંથી રૂા.૧૯ લાખ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં વધુ નાણાંની જરૂર પડતા રૂા.૧.૭૧ લાખની લોન લઈ તેમને નાણાં આપ્યા હતા. 

આ ઉપરાંત મીનલબેન પાસે રહેલ સોનાના દાગીના તેઓએ તુષારભાઈને લોકરમાં મુકવા માટે આપતા ખેડા પીપલ્સ કો.ઓ. બેંકમાં પિતાના નામનું લોકર લઈને તેમાં મુકવાની ખાત્રી આપી હતી. થોડા સમય બાદ મિનલબેનને દાગીનાની જરૂર પડતા તેમણે તુષારભાઈ પાસે માંગણી કરી હતી. જેથી તુષારભાઈએ દાગીના ઉપર લોન લીધી હોવાનું જણાવ્યું હતું. 

જો કે મીનલબેને નાણાં તથા દાગીનાની પરત માંગણી કરવા છતાં તુષારભાઈએ પરત ન આપતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જાણી તેઓએ આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં તુષારભાઈ રમેશચંદ્ર શુક્લા અને રમેશચંદ્ર પુરસોત્તમભાઈ શુક્લા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News