વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે 162 જગ્યા ભરવા કાલે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે 162 જગ્યા ભરવા કાલે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે 1 - image


- 36,523  ઉમેદવારો પરીક્ષા આપશે

- 123 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે 

વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સરકારની 100 ટકા ગ્રાન્ટ આધારિત વિવિધ સંવર્ગની 162 જગ્યા ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 17 ડિસેમ્બરે લેવાશે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આશરે 36523 ઉમેદવારો આપશે અને આ માટે 123 પરીક્ષા કેન્દ્રો ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષા માટે 90 મિનિટ સમય ફાળવવામાં આવ્યો છે. પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવાશે. દરમિયાન કોર્પોરેશન દ્વારા આ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી અસામાજિક તત્વો દ્વારા નોકરી અપાવવાના નામે નાણા ઉઘરાવતા તત્વો સામે સતર્ક રહેવા ઉમેદવારો અને તેમના વાલીઓને સૂચના આપી છે. જો કોઈ આ પ્રકારની નોકરી આપવાની લાલચ આપતો જણાય તો તાત્કાલિક પોલીસ અથવા કોર્પોરેશનના કમિશનરને ધ્યાન દોરવા પણ સુચના આપી છે. પરીક્ષાના કોલલેટર તારીખ 17 ના રોજ બપોરના 12 વાગ્યા સુધી કોર્પોરેશનની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જે 162 જગ્યા ભરવાની છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ 36 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 35 ફીમેલ હેલ્થ વર્કરની 100 ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. 10 મેડિકલ ઓફિસર (વર્ગ-2), 2એક્સરે ટેકનીશીયન, 24 લેબ ટેક્નિશિયન, 20 ફાર્માસિસ્ટ અને 35 સ્ટાફ નર્સ મળી 101 ની પણ 100 ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે આ તમામ જગ્યા બદલી પાત્ર છે. મેડિકલ ઓફિસરોને બાદ કરતા બાકીની જગ્યાઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયસી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ કોર્પોરેશનના વાહક જન્ય રોગ અને પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રની કામગીરી માટે 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 554 વર્કરની ભરતી કરવા 9922 અરજી મળી છે જેમાંથી 427 અરજી રિજેક્ટ થઈ છે.

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 36 જગ્યા માટે 12006 અરજીઓ આવી

વડોદરા કોર્પોરેશનમાં 162 જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે, તેમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. એમાં પણ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વર્ગ-3 ની 36 જગ્યા માટે 12006 અરજીઓ આવી છે .સ્ટાફ નર્સ વર્ગ-3 ની 35 જગ્યા ઉપર 10,021 અરજીઓ મળી છે. જ્યારે લેબ ટેક્નિશિયન વર્ગ-3 ની 24 જગ્યા માટે 5000 અરજીઓ મળી છે. ફીમેલ હેલ્થ વર્કર વર્ગ-3ની 35 જગ્યા પર 5943 એ અરજી કરી છે. ફાર્માસિસ્ટ વર્ગ-3 ની 20 જગ્યા ઉપર 2603 ઉમેદવાર નોંધાયા છે. લેબ ટેકનિશિયન વર્ગ-3 ની 24 જગ્યા ઉપર 5000, એક્સરે-ટેકનિશિયન વર્ગ-3 ની 2 જગ્યા ઉપર 164 અને તબીબી અધિકારી વર્ગ-2 ની 10 જગ્યા ઉપર 586 અરજીઓ આવી છે.



Google NewsGoogle News