વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે 172 જગ્યા ભરવા તારીખ 17 ડિસેમ્બરે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે 172 જગ્યા ભરવા તારીખ 17 ડિસેમ્બરે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાશે 1 - image


- પગાર ખર્ચ સરકાર આપશે

- હેલ્થ વર્કર, ટેકનીશીયાનો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ વગેરેની માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયશી નિમણૂક થશે

વડોદરા,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સરકારની 100 ટકા ગ્રાન્ટ આધારિત વિવિધ સંવર્ગની 172 જગ્યા ભરવામાં આવનાર છે, અને આ માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 17 ડિસેમ્બરે યોજવામાં આવનાર છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર તારીખ 1 ના રોજ સાંજે ચાર વાગ્યાથી તારીખ 17 ના રોજ બપોરના 12 વાગ્યા સુધી કોર્પોરેશનની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

લેખિત પરીક્ષાની વિગતો બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.vmc.gov.in જોતા રહેવા કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. જે 172 જગ્યા ભરવાની છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ 36 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને 35 ફીમેલ હેલ્થ વર્કરની 100 ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. એ જ પ્રમાણે પાંચ ગાયનેકોલોજિસ્ટ, પાંચ પીડીયાટ્રીશીયન, 10 મેડિકલ ઓફિસર (વર્ગ-2), 2એક્સરે ટેકનીશીયન, 24 લેબ ટેક્નિશિયન, 20 ફાર્માસિસ્ટ અને 35 સ્ટાફ નર્સ મળી 101 ની પણ 100 ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે. આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા થનાર છે, અને તે મુજબ રાજ્ય સરકારને જરૂર જણાય તો પગાર ખર્ચની જોગવાઈ મુજબ ઉમેદવારને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઈ જઈ શકશે અને સરકારના કોઈપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે, એટલે કે આ તમામ જગ્યા બદલી પાત્ર છે. આ ભરતીમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી કે વેઇટિંગ લિસ્ટ પૈકી રોસ્ટરનો ક્રમ જાળવીને કરવામાં આવશે. આ જગ્યાની મુદત સરકારની મંજૂરીને આધીન રહેશે, અને કોર્પોરેશનની જવાબદારી નક્કી થશે નહીં. ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન અને મેડિકલ ઓફિસરોને બાદ કરતા બાકીની જગ્યાઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયસી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે.


Google NewsGoogle News