Get The App

'કાળોતરો માનવશરીરમાં લપાય જતો હોવાથી હોઠ,ખભા કે છાતી પર ડંખ મારે છે'

- એશિયામાં સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ સ્વભાવે એકદમ શાંત

- કાળોતરો કરડે તેના 15 મિનિટ પછી વ્યક્તિને ખબર પડે છે

Updated: Jul 14th, 2019


Google NewsGoogle News
'કાળોતરો માનવશરીરમાં લપાય જતો હોવાથી હોઠ,ખભા કે છાતી પર ડંખ મારે છે' 1 - image


વડોદરા, તા. 14 જુલાઈ 2019, રવિવાર

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સાપ કરડવાના કિસ્સાઓ વધી જાય છે. ત્યારે એશિયાનો સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ કરડવાના બે કિસ્સા તાજેતરમાં જ વડોદરા અને દાહોદમાં બન્યા છે. જેને એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવારે લવાયા હતા. સૌથી ઝેરી હોવા છતાં પણ તેની ગણતરી એકદમ શાંત સ્વભાવના સાપમાં થાય છે. ભારતમાં કાળોતરો પછી નાગ, ખડચિતડો અને પૈડકુની ગણના સૌથી ઝેરી સાપમાં થાય છે.

શહેરના પ્રાણીપ્રેમીએ જણાવ્યું કે, સરીસૃપો ઠંડા લોહીના હોવાથી વરસાદ પડતા જ ઠંડક અને ભેજવાળા વાતાવરણ સામે રક્ષણ મેળવવા તેઓ ઘરમાં, વ્યક્તિના બૂટમાં કે કાટમાળના ઢગલામાં લપાઈને બેસી જાય છે. કાળોતરોની વિશેષતા એ છે કે તે નિશાચર એટલે કે રાત્રે જ શિકાર કરવા નીકળે છે અને તેનો ખોરાક અન્ય સાપ છે. પરંતુ ચોમાસાની ઋતુમાં હૂંફ માટે તે જે વ્યક્તિ જમીન પર સૂવે તેના શરીરની બગલમાં, ગળા, ખભા, પગમાં લપાઈ જાય છે અને વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે તે ડંખ આપે છે. મોટાભાગના સર્પોના ડંખ પગ અથવા હાથ પર જોવા મળે છે જ્યારે કાળોતરો માનવ શરીરમાં લપાઈ જતો હોવાથી તે હોઠ, ખભા કે છાતી પર વધુ ડંખ મારે છે.

ગામડામાં લોકો જમીન પર સૂતા હોવાથી આ પ્રકારના બનાવો ત્યાં વધુ જોવા મળે છે. દેશમાં નાગ અને ખડચિતડો કરડવાના ૧૦ હજારથી વધુ કેસ જોવા મળે છે જેમાંથી કાળોતરોનો માંડ ૭૦થી ૮૦ કેસ હોય છે. અત્યારસુધી એસએસજી હોસ્પિટલમાં લગભગ ૧૦થી ૧૨ કેસ સર્પદંશના નોંધાયા જેમાંથી ફક્ત બેથી ત્રણ કેસ કાળોતરો કરડયાના નોંધાયા છે.

અન્ય સાપ કરડે તો તુરંત શરીરના તાપમાનની સાથે ઝણઝણાટી વધી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે જ્યારે કાળોતરો કરડે તેના ૧૫થી ૨૦ મિનિટ પછી શરીરમાં ઝણઝણાટી થાય છે.તેનું ઝેર તીવ્રતાથી શરીરમાં ફેલાય જાય છે જેથી માણસને કંઈ ખબર પડે તે પહેલા તે મૃત્યુ પામે છે. છેલ્લા એક-બે વર્ષમાં કાળોતરો શહેરના ગોત્રી, કારેલીબાગ, કીર્તિસ્તંભ, હરણી જેવા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યો છે. કાળા કલરના કાળોતરોના શરીર પર 'વી' આકારના પટ્ટ હોય છે પ્રકાશ પડતા જ તે સ્ટીલની જેમ ચમકે છે. કાળોતરો સૌથી ઝેરીલો છે પરંતુ નાગની ફેણ સામે તે લાચાર બની જાય છે.


Google NewsGoogle News