કોમર્સ ફેકલ્ટીમાં ૧૫ દિવસમાં ૧૭ પરીક્ષાઓ લેવાનું આયોજન
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિના અમલ બાદ હવે ફેકલ્ટીઓ પર પરીક્ષા લેવાનું ભારણ વધી ગયું છે.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની વાત કરવામાં આવે તો ૧૫ દિવસમાં ૧૭ પરીક્ષાઓ લેવાનો નવો રેકોર્ડ સર્જાયો છે.
ફેકલ્ટીના સૂત્રોના કહેવા પ્રમાણે દિવાળી વેકેશન સુધીમાં કુલ ૧૭ પરીક્ષાઓ લેવાશે.અત્યારે જ એક સાથે ૧૦ જેટલી પરીક્ષાઓ ચાલી રહી છે.આ પહેલા એક સાથે અગાઉ ક્યારેય આટલી પરીક્ષા નથી લેવાઈ. ટીવાયને બાદ કરતા એફવાય, એસવાય, એમકોમ પ્રિવિયસ અને ફાઈનલ, એમકોમ જનરલ, જૂનો બીકોમ ઓનર્સ કોર્સ, બીબીએ, પીજી ડિપ્લોમાના વર્તમાન વિદ્યાર્થીઓની પરીક્ષાઓની સાથે સાથે એટીકેટીની પરીક્ષાઓ તથા એક્સ સ્ટુડન્ટની પરીક્ષાઓ મળીને કુલ ૧૭ પરીક્ષાઓ લેવાની થાય છે.
ફેકલ્ટીમાં એક સાથે આટલી પરીક્ષાઓ લેવાઈ રહી હોવાથી સવારે આઠ વાગ્યાથી ૬ વાગ્યાની વચ્ચે અલગ અલગ શિડયુલ ગોઠવવા પડયા છે.ફેકલ્ટીના તમામ અધ્યાપકો અને કર્મચારીઓ પરીક્ષા લેવામાં રોકાયેલા છે.કોમર્સના ૧૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
નવી શિક્ષણ નીતિના ભાગરુપે કોમર્સ ફેકલ્ટી હવે ત્રણ ઈન્ટરનલ પરીક્ષા લેવાની છે અને આ પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા પણ લેવી પડશે.અન્ય ફેકલ્ટીઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાવાની છે ત્યારે યુનિવર્સિટીના અધ્યાપકોની સાથે સાથે પરીક્ષા વિભાગ પર પણ કામગીરીનું ભારણ વધવાનું છે.જોકે સત્તાધીશો પાસે આ બાબતને ધ્યાનમાં લઈને પરીક્ષા વિભાગમાં અને તંત્રમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેનો કોઈ રોડમેપ નથી.