કોમર્સના વિદ્યાર્થીઓને બેન્કના ચેક,સ્લીપ અને ડ્રાફટ ભરતા શીખવાડાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિના ભાગરુપે પ્રેક્ટિકલ શિક્ષણ આપવા માટે એસવાયમાં વૈકલ્પિક વિષય તરીકે વર્કબૂક દાખલ કરવામાં આવી છે.
આ વર્કબૂક થકી વિદ્યાર્થીઓને બેન્કની ચેક અને સ્લીપ કેવી રીતે ભરવી, વાઉચર તથા બેન્ક ડ્રાફટનુ ફોર્મ કેવી રીતે ભરવુ તેવી તમામ બાબતોનુ પ્રશિક્ષણ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, આ વર્કબૂક સૌથી પહેલા ૨૦૧૭-૧૮માં એફવાયના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં સમાવવામાં આવી હતી.તે વખતે વિદ્યાર્થીઓ માટે વર્કબૂક ફરજિયાત હતી.ત્રણ વર્ષ બાદ જોકે તેની સિલેબસમાંથી બાદબાકી થઈ ગઈ હતી.
આ વર્કબૂકને સૌથી પહેલા અભ્યાસમાં સામેલ કરનારા એકાઉન્ટ વિભાગના પૂર્વ હેડ અને પ્રોફેસર પ્રજ્ઞોશ શાહનું કહેવું છે કે, કોમર્સમાં ભણતા ૯૦ ટકા કરતા વધારે વિદ્યાર્થીઓને બેન્કનો ચેક કેવી રીતે ભરવાનો હોય અને સ્લીપમાં શું લખવાનું હોય તે આવડતું નથી હોતું.અભ્યાસક્રમમાં સુધારા વધારા કરવા માટે જે તે સમયે અમે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિ નિધિઓ સાથે બેઠક યોજી હતી ત્યારે તેમણે પણ કહ્યું હતું કે, બીકોમ થયેલા વિદ્યાર્થીઓને પણ અમે નોકરી રાખીએ છે ત્યારે તેમને પાયાના ઓફિસ વર્કની પણ જાણકારી હોતી નથી.એકાદ વર્ષ સુધી તો અમારે તેમને તાલીમ આપવી પડે છે.
પ્રો.શાહના કહેવા અનુસાર આ ફીડબેકના આધારે એક વર્કબૂક બનાવીને તેમાં દરેક પેજ પર બેન્કના ચેક, સ્લીપ, ડ્રાફટ, સ્લીપ, લેજર, જર્નલ વગેરેના નમૂના મૂકવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓએ વર્કબૂકમાં તે ભરવાના હોય છે.નવી શિક્ષણ નીતિ પ્રેકટ્કિલ તાલીમ પર ભાર મૂકે છે ત્યારે આ વર્કબૂક વિદ્યાર્થીઓ માટે ઘણી મદદરુપ પૂરવાર થશે.