કોમર્સ ફેકલ્ટીમાં સાત વિદ્યાર્થીઓના પીએચડી રજિસ્ટ્રેશન છેલ્લા એક વર્ષથી ટલ્લે ચઢાવાયા
વડોદરાઃ યુનિવર્સિટીઓમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓનુ વિશેષ મહત્વ રહેતુ હોય છે અને આવા વિદ્યાર્થીઓની કાળજી લેવા માટે તમામ પ્રયત્નો થતા હોય છે.જ્યારે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તો પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનારા સાત વિદ્યાર્થીઓનુ પીએચડી રજિસ્ટ્રેશન જ એક વર્ષ કરતા વધારે સમયથી સત્તાધીશોએ ટલ્લે ચઢાવ્યુ હોવાની વિગતો સપાટી પર આવી છે.
આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન તેમજ અધ્યાપક કલ્પેશ શાહે ફેકલ્ટી ડીનને પત્ર લખીને આ મુદ્દા પર નિર્ણય લેવા માટે માંગ કરી છે.તેમનુ કહેવુ છે કે, ૨૦૨૨-૨૩ના વર્ષ માટે લેવાયેલા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થયેલા સાત વિદ્યાર્થીઓએ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં પીએચડી કરવા માટે અરજી કરી હતી.જેના પગલે ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટિએ વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન જોયા હતા અને તેમના પીએચડી રજિસ્ટ્રેશન માટે લીલી ઝંડી આપી હતી.ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટિએ જે વિદ્યાર્થીઓને પીએચડી રજિસ્ટ્રેશન માટે મંજૂરી આપે તેને ફેકલ્ટી લેવલની રિસર્ચ કમિટિમાં ઔપચારિક મંજૂરી આપવા માટે દરખાસ્ત મૂકાતી હોય છે.પરંતુ ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં મળેલી ફેકલ્ટી લેવલની કમિટિમાં આ સાત વિદ્યાર્થીઓના પીએચડી રજિસ્ટ્રેશનને મંજૂરી આપવાની દરખાસ્ત આશ્ચર્યજનક રીતે એબેન્સમા મૂકી દેવાઈ હતી. એટલે કે તેના પર પછી નિર્ણય લેવાશે તેવુ નક્કી થયુ હતુ.આ પ્રકારનો નિર્ણય લેવા પાછળ કોઈ નક્કર કારણ પણ અપાયુ નહોતુ.કલ્પેશ શાહનુ કહેવુ છે કે, એ પછી એક વર્ષ થઈ ગયુ પણ વિદ્યાર્થીઓના પીએચડી રજિસ્ટ્રેશન પર કોઈ નિર્ણય લેવાયો નથી.આ બાબતે ફેકલ્ટી ડીનને ડિપાર્ટમેન્ટના બીજા અધ્યાપકો પણ રજૂઆત કરી ચુકયા છે.મેં રજિસ્ટ્રારને પણ પત્ર લખ્યો છે પણ તેમણે પણ કોઈ જવાબ આપ્યો નથી.એક તરફ કોમર્સમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓ એમ પણ ઓછા હોય છે અને બીજી તરફ જેઓ પીએચડી કરવા માટે તમામ રીતે લાયક છે તેમની કોઈ કારણ વગર ઉપેક્ષા થઈ રહી છે.સત્તાધીશોનુ આ પ્રકારનુ વલણ નેકના રેન્કિંગ પર પણ ગંભીર અસર પાડી શકે છે.