કોમર્સ ફેકલ્ટીનો નવો શરમજનક રેકોર્ડ, વર્તમાન વર્ષમાં એક પણ પરિણામ જાહેર થયું નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ વધુ એક શરમજનક રેકોર્ડ સ્થાપ્યો છે.વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અત્યાર સુધીમાં કોમર્સ ફેકલ્ટીએ એક પણ પરિણામ જાહેર કર્યુ નથી.
મળતી વિગતો પ્રમાણે કોમર્સમાં ૨૦૨૩-૨૪નુ શૈક્ષણિક વર્ષ શરુ થયુ તે પછી ઓક્ટોબર-૨૦૨૩માં સેમેસ્ટર બે-ચાર અને ૬ની એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી.લગભગ ૩૦૦૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.જાન્યુઆરી પૂરો થવા આવ્યો પણ આ પરીક્ષાના પરિણામ જાહેર થયા નથી.
એ પછી ડિસેમ્બર મહિનામાં સેમેસ્ટર ૩ તેમજ સેમેસ્ટર પાંચના નિયમિત વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા લેવામાં આવી હતી.જેના પરિણામ પણ બહુ જલ્દી જાહેર થાય તેવી કોઈ શક્યતા નથી.આ જ રીતે એમકોમના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામના ઠેકાણા નથી.
એફવાયની તો હજી પહેલા સેમેસ્ટરન માત્ર ઈન્ટરનલ પરીક્ષા જ લેવાઈ છે અને તે તાજેતરમાં જ પૂરી થઈ છે.આમ એફવાયના વિદ્યાર્થીઓને તો પરિણામની સાથે સાથે શૈક્ષણિક વર્ષ ક્યારે પૂરુ થશે તેની પણ ચિંતા છે.
કોમર્સ ફેકલ્ટીના ડીનનુ કહેવુ છે કે, સેન્ટ્રલ એસેએસમેન્ટ સેલ મોડો શરુ થયો હતો અને ઓક્ટોબરમાં લેવાયેલી પરીક્ષા બાદ તરત વેકેશન આવી ગયુ હતુ.દિવાળી વેકેશનમાં અધ્યાપકો ઉત્તરવહી તપાસવા માટે રાજી નહોતા.જેના કારણે એટીકેટની પરીક્ષાના પરિણામમાં વિલંબ થયો હતો.જોકે એકાદ સપ્તાહમાં આ પરીક્ષાઓના પરિણામો જાહેર થવા માંડશે.