કોમર્સના સાત બિલ્ડિંગોમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જગ્યા નહીં હોવાથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ નથી તેવુ કારણ વાઈસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીન આગળ ધરી રહ્યા છે.
પણ યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર ફેકલ્ટીમાં અત્યારના માળખા પ્રમાણે ઓછામાં ઓછા ૮૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ છે.આ બાબતની જાણકારી ચાન્સેલરને પણ આપવામાં આવી છે.
કોમર્સ ફેકલ્ટી પાસે અત્યારે મેઈન બિલ્ડિંગ, ન્યૂ બિલ્ડિંગ, ઓલ્ડ સોશિઓલોજી બિલ્ડિંગ, બેન્કિંગ બિલ્ડિંગ, જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ, એમકોમ બિલ્ડિંગ, વીર સાવરકર ભવન, પાદરા કોલેજ અને ગર્લ્સ કોલેજ સહિત સાત બિલ્ડિંગ છે.આ સંજોગોમાં ૮૦૦૦ વિદ્યાર્થીઓને બેસાડી શકાય છે અને કેટલીક જગ્યાએ જો એક બેન્ચ પર ૩ વિદ્યાર્થી બેસે તો ૧૧૦૦૦ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાય તેમ છે.સાથે સાથે યુનિવર્સિટી મેનેજમેન્ટ ફેકલ્ટીનુ ઈન્સ્ટિટયુટ ઓફ લીડરશિપ બિલ્ડિંગ તેમજ બીએડ માટેનુ કેસ બિલ્ડિંગ પણ આપે તો ૧૨૦૦ બીજા વિદ્યાર્થીઓ ભણી શકે તેમ છે.જો વધારાના વિદ્યાર્થીઓને હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ અપાય તો ૨૫ દિવસની અંદર કોન્ટ્રાક્ટ પરના અધ્યાપકોની ભરતી કરીને તેમનુ શિક્ષણ પણ શરુ કરી શકાય તેમ છે.
સૂત્રોનુ કહેવુ છે કે, ૨૦૨૩માં ૫૮૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો અને આ પૈકી ૫૦૦૦ વિદ્યાર્થીઓ વડોદરાના હતા.૨૦૨૨માં ૭૨૦૦ પૈકી ૬૦૦૦ વિદ્યાર્થીઓ સ્થાનિક હતા.૨૦૨૧માં કુલ ૮૪૦૦ પ્રવેશ અપાયા હતા અને તેમાં વડોદરાના ૭૦૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
પ્રવેશ વિવાદ વચ્ચે સાંસદની હેડ ઓફિસમાં એન્ટ્રી
વડોદરાના લોકો પ્રવેશ કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી ધીરજ રાખે
વડોદરાના લોકોમાં પ્રવેશ મુદ્દે પ્રવર્તી રહેલા આક્રોશ વચ્ચે આજે અચાનક જ વડોદરાના સાસંદની યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એન્ટ્રી પડી હતી.તેમણે બંધ બારણે વાઈસ ચાન્સેલર સાથે મુલાકાત પણ કરી હતી.એ પછી સાંસદે કહ્યુ હતુ કે, આ એક શુભેચ્છા મુલાકાત હતી.સાથે સાથે પ્રવેશ મુદ્દે વડોદરાના લોકો પ્રવેશ કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી ધીરજ રાખે, સરકાર પણ વડોદરાના વિદ્યાર્થીઓના પ્રવેશના મુદ્દે ચિંતિત છે.હું પ્રવેશના મુદ્દે સરકારના સંપર્કમાં પણ છું.વડોદરાના વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય.સાથે સાથે ફાઈટ ફો એમએસયુ ગુ્રપને પણ પ્રવેશ કાર્યવાહી પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા અપીલ કરુ છું.