કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં ઉનાળુ વેકેશનમાં પણ શિક્ષણ ચાલુ રાખવુ પડશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીમાં એફવાયનો કોર્સ પૂરો નહીં થયો હોવાના કારણે ઉનાળુ વેકેશનમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બંને ફેકલ્ટીઓ દ્વારા જોકે વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશનમાં વર્ગો ચાલુ રહેશે તેવી કોઈ સત્તાવાર જામકારી હજી સુધી અપાઈ નથી.આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં થયેલા વિલંબના કારણે પહેલા વર્ષનુ શિક્ષણ કાર્ય પણ મોડુ ચાલુ થયુ હતુ.બીજી તરફ સરકારના એકેડમિક કેલેન્ડર પ્રમાણે તા.૨૮ એપ્રિલથી યુનિવર્સિટીમાં પણ ઉનાળુ વેકેશનની શરુઆત થવાની છે.
જ્યારે કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં ભણતા વિદ્યાર્થીઓનો બીજા સેમેસ્ટરનો ૫૦ ટકા કરતા પણ વધારે અભ્યાસક્રમ બાકી છે.બીજા સેમેસ્ટરની તો ઈન્ટરનલ પરીક્ષા પણ હજી લેવાઈ નથી.આ સંજોગોમાં હંગામી અધ્યાપકોનો કાર્યકાળ વધુ એક મહિનો લંબાવીને વર્ગો ચાલુ રાખવામાં ના આવે તો નવા શૈક્ષણિક વર્ષની શરુઆતમાં પણ એન્ડ સેમેસ્ટર પરીક્ષા કોમર્સ ફેકલ્ટી ના લઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આર્ટસ ફેકલ્ટીમાં પણ એફવાયનો ખાસો એવો કોર્સ બાકી છે.હાલમાં આર્ટસમાં બીજા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા લેવાઈ રહી છે.ઈન્ટરનલ પરીક્ષા બાદ આર્ટસમાં પણ વેકેશનમાં લેક્ચર લેવામાં આવે તો જ વિદ્યાર્થીઓનો કોર્સ પૂરો થાય તેમ છે.
હાલમાં આ બંને ફેકલ્ટીઓમાં એસવાય, ટીવાય તેમજ માસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હોવાથી છેલ્લા એક સપ્તાહથી એમ પણ બિલ્ડિંગના અભાવે એફવાયના વિદ્યાર્થીઓનુ ભણવાનુ બંધ છે.આમ બંને ફેકલ્ટીઓના નવી શિક્ષણ નીતિના અમલમાં વિલંબના કારણે વિદ્યાર્થીઓનુ ઉનાળુ વેકેશન બગડે તેવી શક્યતા છે.
દરેક સેમેસ્ટરમાં ૧૫ સપ્તાહનુ શિક્ષણ થવુ જોઈએ
સરકારના નિયમ પ્રમાણે દરેક સેમેસ્ટરમાં ઓછામાં ઓછા ૧૫ સપ્તાહનું શિક્ષણ કાર્ય થવુ જોઈએ.કોમર્સ ફેકલ્ટીમાં તો એફવાયના વિદ્યાર્થીઓનુ બીજા સેમેસ્ટરનુ શિક્ષણ કાર્ય શરુ થયે બે મહિના પણ થયા નથી.આમ નિયમ પ્રમાણે તો કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ હજી બે મહિના શિક્ષણ કાર્ય કરવુ પડે પણ સૂત્રોનુ કહેવુ છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ બાકીનો કોર્સ જેમ તેમ પૂરો કરીને પરીક્ષા લેવાની જાહેરાત કરી દેવામાં આવશે.
સાયન્સમાં કોર્સ પૂરો થવા આવ્યો પણ પરીક્ષા ૧૦ જૂનથી
કોમર્સ અને આર્ટસ ફેકલ્ટીના ડીનનો આ બાબતે જાણકારી મેળવવા માટે સંપર્ક થઈ શક્યો નહોતો.જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, સાયન્સમાં એફવાયનો કોર્સ વેકેશન શરુ થાય ત્યાં સુધીમાં પૂરો થઈ જશે પણ પરીક્ષા ઉઘડતા વેકેશને લેવામાં આવશે.તા.૧૦ જૂનના રોજ એફવાયબીએસસીની બીજા સેમેસ્ટરની પરીક્ષા શરુ થશે તેવી જાણકારી પણ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે.
હાજરીના નિયમથી કાયમી અધ્યાપકો નારાજ, હંગામી અધ્યાપકોનો જ સહારો
યુનિવર્સિટી સત્તાધીશોએ બાયોમેટ્રિક હાજરીના ભાગરુપે અધ્યાપકો માટે ફરજિયાત સાત કલાક કેમ્પસમાં હાજર રહેવાનો નિયમ લાગુ કર્યો હોવાથી કાયમી અધ્યાપકો તો વેકેશનમાં કામ કરવા માટે હાલના તબક્કે તો તૈયાર નથી.જ્યારે હંગામી અધ્યાપકો નોકરી ગુમાવવાના ડરથી કશું બોલી શકે તેમ નથી.એટલે કોમર્સ અને આર્ટસમાં હંગામી અધ્યાપકોના સહારે વેકેશનમાં બાકીનો કોર્સ પૂરો કરવો પડશે.એમ પણ એફવાયમાં મોટાભાગે હંગામી અધ્યાપકો જ ભણાવતા હોય છે.