૨૪ કલાકમાં ૬૫૩ વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત
ત્રણ લાખ ઉપરાંતના દંડની વસુલાત કરતી ટ્રાફિક પોલીસ
વડોદરા,બાકી રહેલા ઇ મેમો માટે ટ્રાફિક પોલીસ દ્વારા શરૃ કરવામાં આવેલી ડ્રાઇવના અનુસંધાને ગઇકાલે બપોરથી શરૃ અત્યાર સુધી કુલ ૬૫૩ વાહન ચાલકો પાસેથી પડતર મેમો પેટે દંડની વસુલાત કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ - અલગ સ્થળો પર ટ્રાફિક નિયમનના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત માટે ઇ મેમો જનરેટ થયા હતા. પરંતુ, કેટલાક વાહન ચાલકો દ્વારા મેમોનો દંડ ભરપાઇ કરવામાં આવતો નથી. જે દંડની વસુલાત માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઇન દંડની વસુલાત માટે સ્ટાફને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ગઇકાલે બપોરથી અત્યારસુધી કુલ ૬૫૩ વાહન ચાલકો પાસેથી ત્રણ લાખ ઉપરાંતના દંડની વસુલાત થઇ છે. આગામી દેવ દિવાળી પછી શહેરના અલગ - અલગ પોઇન્ટ પર સ્ટાફ દ્વારા પડતર મેમોના દંડ વસુલાતની ઝુંબેશ શરૃ કરાશે.