૩૦ વર્ષમાં ૩૦૦ દેશોની ચલણીનોટો અને ટપાલ ટિકિટોનો સંગ્રહ કર્યો
રૃા. ૫૦ની નોટ છપાતા તેમાં રહેલી ક્ષતિવાળી અને સુધારેલી બંને નોટ અર્પિતના સંગ્રહમાં
ગોધરા, ગોધરાના અર્પિત સુધીરભાઇ ક્રિસ્ચને છેલ્લા ૩૦ વર્ષમાં ૩૦૦ દેશોની ટપાલ ટિકિટો અને ચલણીનોટોનો સંગ્રહ ઔકર્યો છે.
ગોધરા શહેરના દડી કોલોની ખાતે રહેતા અર્પિત ક્રિસ્ચને બાળપણથી જ ટપાલ ટિકિટ, ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ હતો. છેલ્લા ૩૦ વર્ષના સમય ગાળામાં ૩૦૦ દેશોની ટપાલ ટિકિટ અને અલગ અલગ દેશોની ચલણી નોટો સંગ્રહિત કરવા બદલ ઓન લાઇન વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું હતું. તા. ૧.૧૨.૭૭ થી ૧૫.૯.૮૨ના સમયગાળા દરમિયાન રીઝર્વ બેંકના ગવર્નર આઇ.જી. પટેલ હતા ત્યારે તેઓના કાર્યકાળ દરમિયાન રૃપિયા ૫૦ની ચલણી નોટ છપાઇ હતી જેમાં સંસદ ભવન ઉપર ધ્વજ દર્શાવવાની ચૂક રહી ગઇ હતી, જે બાદમાં સુધારી લેવાઇ હતી. આવી ક્ષતિ ધરાવતી ચલણી નોટ અને સુધારેલી ૫૦ રૃપિયાની નોટ તેમની પાસે છે. અનેક દેશો એવા છે કે જે હાલ નક્શા પર નથી તેવા દેશોની પણ ચલણી નોટો અને ટપાલ ટિકિટ તેઓના સંગ્રહમાં છે. ખાનગી શોરૃમમાં નોકરી કરતા અર્પિતને પોતાના પરિવારના સભ્યો, મિત્રો તેમજ અન્ય લોકોની મદદથી અલગ અલગ દેશોની નોટો, સિક્કા અને ટપાલ ટિકિટ સહિતની ચીજ વસ્તુઓ સંગ્રહિત કરવામાં મદદ મળી છે.