વડોદરામાં તીવ્ર ઠંડી ઃ તાપમાન પ્રથમ વખત ૧૪.૪ ડિગ્રી નોંધાયું
તાપમાનનો પારો અચાનક ગગડતા દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ
વડોદરા, તા.4 વડોદરામાં તીવ્ર ઠંડીનો મોડે મોડે જાન્યુઆરી માસમાં પ્રારંભ થયો છે. આજે તાપમાન વધુ ૧.૬ ડિગ્રી જેટલું ગગડીને પ્રથમ વખત ૧૪.૪ ડિગ્રી નોંધાતા દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ડિસેમ્બર માસમાં સામાન્ય ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો પરંતુ જાન્યુઆરી માસ શરૃ થતાંની સાથે જ ભેજનું પ્રમાણ વધવાની સાથે વાદળો ઘેરાતા તીવ્ર ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે અને તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. પાંચ દિવસ પહેલાં ન્યૂનતમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ હતું અને આજે ૧૪.૬ ડિગ્રી નોધાયું હતું.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ તાપમાન સામાન્ય ૧.૪ વધીને ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન ગઇકાલે ૧૬.૨ ડિગ્રી હતું તેમાં ૧.૬ ડિગ્રી ઘટાડો થતાં ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ ઠંડીમાં અચાનક વધારો થયો હતો આ સાથે જ ઉત્તર પૂર્વના ૧૫ કિમી ઠંડા પવનોની ગતિથી વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે.