વાસી ઉત્તરાયણે તાપમાન ૧૨ ડિગ્રી વડોદરામાં બેવડી ઋતુ વચ્ચે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો
બે દિવસમાં તાપમાન ૫ ડિગ્રી ગગડયું ઃ પવનની ગતિમાં પણ ઘટાડો થયો
વડોદરા, તા.15 વડોદરામાં બેવડી ઋતુની વચ્ચે આજે શિયાળાનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. તાપમાન ગગડીને ૧૨ ડિગ્રી નોધાયું હતું. જાન્યુઆરી માસના પ્રારંભથી ઠંડીનું મોજું ફરી વળ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી દિવસે અને રાત્રે બેવડી ઋતુના અહેસાસ વચ્ચે આજે સૌથી વધુ ઠંડી લોકોએ અનુભવી હતી.
ડિસેમ્બર માસમાં સામાન્ય ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો પરંતુ જાન્યુઆરી માસ શરૃ થતાંની સાથે જ લોકોએ તીવ્ર ઠંડીે અનુભવી હતી. છેલ્લે તા.૯ના રોજ શનિવારે કોલ્ડેસ્ટ ડેમાં તાપમાન ૧૩.૪ ડિગ્રી નોધાયું હતું. ત્યારબાદ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ લોકો કરતાં હતાં. આ બેવડી ઋતુ વચ્ચે આજે ગઇકાલની સરખામણીમાં તાપમાન ૧.૬ ડિગ્રી ગગડીને ૧૨ ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે તા.૧૩મીએ ૧૭.૪ ડિગ્રી અને ગઇકાલે તા.૧૪મીએ ૧૩.૬ ડિગ્રી તાપમાન નોધાયું હતું. બે દિવસમાં પાંચ ડિગ્રી સુધી તાપમાન ગગડીને આજે ૧૨ ડિગ્રી કોલ્ડેસ્ટ રહ્યું હતું. આ સાથે જ પવનની ગતિ તા.૧૩ના રોજ ૩, ગઇકાલે ૯ અને આજે ૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી. હવામાનખાતાના જણાવ્યા મુજબ શહેરમાં આજે મહત્તમ તાપમાન પણ ૦.૨ ડિગ્રી ગગડીને ૨૯.૨ ડિગ્રી નોધાયું હતું. આ સાથે હવામા ભેજનું પ્રમાણ સવારે ૭૧ અને સાંજે ૩૭ ટકા હતું જ્યારે પૂર્વ દક્ષિણના પવનની ગતિ ૩ કિ.મી. હતી.