વડોદરામાં સિઝનનો કોલ્ડેસ્ટ ડે તાપમાન ગગડીને ૧૩.૪ ડિગ્રી નોધાયું
લઘુત્તમની સાથે મહત્તમ ડિગ્રીનો પારો પણ ગગડયો ઃ ૧૫ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોએ લોકોને ધુ્રજાવ્યા
વડોદરા, તા.6 વડોદરામાં શિયાળાની ઋતુનો કોલ્ડેસ્ટ ડે આજે નોંધાયો હતો. તાપમાન ૧૪ ડિગ્રીથી પણ નીચે ગગડીને ૧૩.૪ ડિગ્રી નોધાયું હતું. તીવ્ર ઠંડીના કારણે દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. જાન્યુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનું મોજું ફરી વળતા મોડે મોડે પણ લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર માસમાં સામાન્ય ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો પરંતુ જાન્યુઆરી માસ શરૃ થતાંની સાથે જ વાદળો ઘેરાવાથી તાપમાનનો પારો સતત ગગડતા લોકો તીવ્ર ઠંડીે અનુભવી રહ્યા છે. નવા વર્ષના પ્રારંભથી જ ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે અને તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. પાંચ દિવસ પહેલાં ન્યૂનતમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ હતું અને આજે ૧૩.૪ ડિગ્રી નોધાયું હતું.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ તાપમાન ૦.૪ ઘટીને ૨૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન ગઇકાલે ૧૪.૨ ડિગ્રી હતું તેમાં ૦.૮ ડિગ્રી ઘટાડો થતાં ૧૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ ઠંડીમાં અચાનક વધારો થયો હતો આ સાથે જ ઉત્તર પૂર્વના ૧૫ કિમી ઠંડા પવનોની ગતિથી વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું છે. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૩ ટકા અને સાંજે ૫૭ ટકા નોંધાયું હતું.
વડોદરામાં સિઝનમાં પ્રથમ વખત જ લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યા છે. દિવસે પણ સ્વેટર અથવા જેકેટ પહેરીને તેમજ માથા પર ટોપી પહેરીને ફરવું પડે છે. સવારે તેમજ રાત્રે તીવ્ર ઠંડીના કારણે રાજમાર્ગો પર પણ ચહેલપહેલ ઓછી થઇ જાય છે.