ચાર દરવાજા વિસ્તારમાં બંધ કમેરા ચાલુ કરાયા
સવારીના રૃટ્સ પરના ખાડા પૂરાશે, પેચવર્ક કરાશે ઃ તળાવો પર સીસીટીવી કમેરા ગોઠવાશે
વડોદરા,વડોદરામાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને કોર્પોરેશનમાં પોલીસ વિભાગ અને કોર્પોરેશનના તંત્ર વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરવા બેઠક યોજાઈ હતી.
વડોદરામાં શ્રીજી વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા પાંચ કૃત્રિમ તળાવ બનાવ્યા છે. એક અંદાજ મુજબ આ પાંચેય તળાવમાં આશરે આઠ હજાર શ્રીજી મૂર્તિઓનું વિસર્જન થશે. શહેરમાં વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવા ઉપરાંત અગાશીઓ ઉપર ૧૦૦ થી વધુ ધાબા પર સંવેદનશીલ વિસ્તારોમાં પોઈન્ટ રાખવામાં આવશે. વિસર્જન રૃટ પર રોડના ખાડા પૂરવા, પેચવર્ક અને કાર્પેટિંગ કરવું, તળાવોના કિનારે ક્રેનો અને તરાપા તેમજ તરવૈયા તૈનાત રાખવા, ફોકસ લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તળાવો પર જવા અને બહાર નીકળવાની પણ અલગ વ્યવસ્થા રખાશે. ચાર દરવાજા વિસ્તારમાં જે સીસીટીવી કેમેરા બંધ હતા, તે ચાલુ કરી દેવાયા છે. તળાવો પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ ગોઠવવા ઉપરાંત કોર્પોરેશન દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવા પ્રયાસ કરાશે.