વડોદરામાં ચોમાસા પૂર્વેની વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસોની સફાઈ ચાલુ
Vadodara Corporation News : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં હવે શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વર્ષો જૂના ત્રણ જે કુદરતી કાંસ છે તેની સફાઈમાં તંત્ર લાગ્યું છે. આ કામગીરીનું આજે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. વડોદરામાં દર વર્ષે ચોમાસા પૂર્વે ત્રણેય ભૂખી, મસીયા અને રૂપારેલ કાંસ છે, તેની સફાઈ કરવામાં આવે છે .આ કાંસના નડતરરૂપ વિઘ્ન હટાવવાની સાથે સાથે પાણી ઉપર તરતો કચરો, ઝાડી, વનસ્પતિ, ઝાખરા વગેરે હટાવીને પાણી નિકાલનો રસ્તો ખુલ્લો કરવામાં આવે છે. ખાસ તો રૂપારેલ કાંસ કે જે જાંબુવા નદીને મળે છે ત્યાં બોટલ નેક થયું હોય તો તે પણ ખુલ્લો કરવામાં આવે છે.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા સ્ટેન્ડિંગ સમિતિમાં ચોમાસા પૂર્વેની કામગીરીના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં વરસાદી કાંસોની સફાઈ, ચેમ્બરોની સફાઈ, ઝાડ કટીંગ વગેરેનો સમાવેશ થાય છે. હાલ શહેરના ચારેય ઝોનમાં રોડ પર જોખમી વૃક્ષોની ડાળીઓ કાપવાનું કામ પણ ચાલી રહ્યું છે. આજે સવારે ગાજરાવાડી પંપીંગ સ્ટેશનની બાજુમાં રૂપારેલ કાસ, દંતેશ્વર જેલ કમ્પાઉન્ડમાંથી નીકળતા રૂપારેલ કાસ, મહાનગર, વહોરા ગામડી અને મસિયા કાસ વગેરે સ્થળે ચાલતી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાલ વરસાદી ગટરો અને ચેમ્બરોની સફાઈ ચાલુ છે, એ ઉપરાંત આ વરસાદી કાંસોનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જે એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે. અત્યાર સુધીમાં 20 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ચૂકી છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં હાઇવે બાજુથી ભારે વરસાદ દરમિયાન જે પાણી ધસી આવે છે તેના નિકાલ માટે હાઇ-વેને સમાંતર જે કાંસ બનાવવામાં આવી છે તેની સફાઈ પણ ચાલુ કરવામાં આવી છે. અત્યારે પાણીનો ફ્લો બરાબર વહી રહ્યો છે. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થાય છે, પરંતુ વરસાદી કાંસોની સફાઈને લીધે પાણીનો નિકાલ ઝડપથી થતા પાણી ભરાવાના પ્રશ્નોમાં રાહત અનુભવાશે એમ તેમનું કહેવું હતું.