વડોદરાના સ્વયંસેવકોના ગુ્રપે પરિક્રમાના રુટ પરથી ૧૦૦ કિલો કચરો એકઠો કર્યો
વડોદરાઃ ચૈત્ર મહિનાના પ્રારંભની સાથે જ શરુ થયેલી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાના રુટ પર વડોદરાના સ્વયંસેવકોના ગુ્રપે સફાઈનુ અભિયાન શરુ કરીને પરિક્રમા કરવાની સાથે સાથે સાથે ૧૦૦ કિલો જેટલો કચરો એકત્રિત કર્યો હતો અને સમગ્ર રુટને સ્વચ્છ રાખવા માટે સંદેશો આપ્યો હતો.
વડોદરાના ફ્રી ધ ટ્રી ડ્રાઈવ, વિશ્વામિત્રી પદયાત્રા અને દેવસ્ય ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્વયં સેવકોએ શનિવારે મધરાથી પરિક્રમાના રુટ પર સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
ફ્રી ધ ટ્રી ડ્રાઈવના લાવણ્ય સેનનુ કહેવુ હતુ કે, અમારા અભિયાનમાં ૩૦ જેટલા લોકો જોડાયા હતા.પરિક્રમાના રામપુરાથી સીતારામ આશ્રમના રુટ પર અમને વધારે કચરો જોવા મળ્યો હતો.તેની સામેના રુટ પર પ્રમાણમાં સ્વચ્છતા માટે લોકો અને ભંડારાના આયોજકો કાળજી લેતા નજરે પડયા હતા.આ રુટ પર ઠેર ઠેર મોટા કદની ગાર્બેજ બેગો પણ મુકવામાં આવી છે.ઉપરાંત પીવાના પાણી માટે ડિસ્પોઝેબલ ગ્લાસની જગ્યાએ પ્લાસ્ટિકના ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા ગ્લાસનો પણ ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે.આમ રુટના એક હિસ્સા પર સ્થાનિક તંત્ર અને લોકોએ આ વખતે ગંદકી ના થાય તેનુ ધ્યાન રાખ્યુ છે.સ્વયંસેવકોનુ કહેવુ હતુ કે, સમગ્ર રુટ પર ફરીને અમે ૧૦૦ કિલો કચરો એકઠો કર્યો હતો અને તેને મોટી ગાર્બેજ બેગોમાં નાંખ્યો હતો.આ પહેલો શનિવાર હતો અને બીજા ત્રણ શનિવારે પણ અમે પરિક્રમા રુટ પર સફાઈ કરવાના છે.અમને સફાઈ કરતા જોઈને લોકોમાં જાગૃતિ આવે તો નર્મદા મૈયાના કિનારાની ખૂબસુરતી જાળવી રાખવામાં ઘણી મદદ મળશે.