હાઇડ્રોલિક ટ્રોલી વીજ વાયરને અડકી જતા કરંટ લાગતા ક્લિનરનું મોત

ટ્રક ઉપરથી વીજ વાયર પસાર થતો હોવા છતાંય ડ્રાઇવરે ટ્રોલી ઉંચી કરી

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
હાઇડ્રોલિક ટ્રોલી વીજ વાયરને અડકી જતા કરંટ લાગતા ક્લિનરનું મોત 1 - image

વડોદરા,બીલ કેનાલ રોડ પર રેતી ભરેલી ટ્રકમાંથી રેતી ઉતારવા માટે ટ્રોલી ઉંચી કરતા ુઉપરથી પસાર થતા વીજ વાયર સાથે અડી જતા ક્લિનરને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના તરિયાવેરી ગામે રહેતો ૨૧ વર્ષનો અર્જુન અંબુભાઇ રાઠવા રેતીની ટ્રક પર ક્લિનર તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે તે ટ્રકમાં બેસીને ડ્રાઇવર સાથે બિલ કેનાલ રોડ પર વુડ સ્કેપ વિલા બંગલો નજીક રેતી ઉતારવા માટે ગયો હતો. ડ્રાઇવરે રેતી ખાલી કરવા માટે હાઇડ્રોલિક ચાલુ કરતા ટ્રોલી ઉંચી થઇ હતી. ટ્રોલી ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતા શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળવાનું શરૃ થયું હતું. જેથી, ક્લિનર હાઇડ્રોલિક બંધ કરવા માટે ટ્રકની કેબિનમાં ચઢવા માટે કેબિનનો દરવાજો ખોલવા માટે ગયો હતો. દરવાજાને અડકતા જ તેને કરંટ લાગતા તે ફેંકાઇ ગયો હતો. તેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. માંજલપુર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બનાવના પગલે સ્થળ પરથી ડ્રાઇવર ભાગી ગયો હતો.  વીજ વાયર ટ્રક ઉપરથી પસાર થતો હોવાછતાંય ડ્રાઇવરે હાઇડ્રોલિક ટ્રોલી ઉંચી કરતા કરંટ લાગ્યો હતો.


Google NewsGoogle News