એફવાયબીકોમના વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશનમાં પણ ભણાવાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં અત્યારે એફવાયમાં ભણી રહેલા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હોવાથી તેમનુ શૈક્ષણિક વર્ષ પણ વિલંબથી ચાલી રહ્યુ છે.
એફવાયબીકોમના વિદ્યાર્થીઓના પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા ૨૮ ફેબુ્રઆરીએ પૂરી થવાની છે અને બીજા સેમેસ્ટરના શિક્ષણનો પ્રારંભ ૧ માર્ચથી થશે.આ સંજોગોમાં એફવાયની બીજા સેમેસ્ટરની એન્ડ સેમેસ્ટર એટલે કે ફાઈનલ પરીક્ષા ઉનાળુ વેકેશન પછી જ લેવાય તેવા સંજોગો છે..જોકે આ વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક વર્ષ વહેલુ પૂરુ થાય તે માટે ફેકલ્ટી સત્તાધીશોએ ઉનાળુ વેકેશનમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવાનુ ચાલુ રાખવાનુ વિચાર્યુ છે.ફેકલ્ટી ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે કહ્યુ હતુ કે, ૧ મેથી ઉનાળુ વેકેશન શરુ થશે ત્યારે અધ્યાપકોને દસેક દિવસ માટે વેકેશનમાં પણ એફવાયના વિદ્યાર્થીઓના લેક્ચર લેવા માટે ફેકલ્ટી દ્વારા વિનંતી કરવામાં આવશે.જેથી આ વિદ્યાર્થીઓનો કોર્સ વહેલો પૂરો થાય અને તેમની બીજા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા પણ વહેલી તકે લેવાઈ જાય.
બીજી તરફ એસવાય અને ટીવાયબીકોમના વિદ્યાર્થીઓની અનુક્રમે ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા લેવાી ચુકી છે.તેમનુ ઈવન સેમેસ્ટર એટલે કે ચોથા અને છટ્વા સેમેસ્ટરનુ શિક્ષણ શરુ થઈ ગયુ છે.છઠ્ઠા સેમેસ્ટરની મિડ સેમેસ્ટર એટલે કે ઈન્ટરનલ પરીક્ષા ૧૦ માર્ચથી અને ચોથા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા ૧૮ માર્ચથી લેવામાં આવશે.જ્યારે ૨ થી ૧૦ માર્ચ દરમિયાન ટીવાયની એટીકેટીની પરીક્ષા લેવામાં આવશે.