ધોરણ-8નાે તેજસ્વી વિદ્યાર્થી મોબાઇલ ગેમની લતે ચડતાં ભણવાનું બંધ કર્યું,વિચિત્ર હરકતોથી પરિવાર તંગ
વડોદરાઃ મોબાઇલ ગેમની લતે ચડેલા ધોરણ-૮ના એક વિદ્યાર્થીની હરકતોએ તેના પરિવારજનોની ઊંઘ ઊડાડી મૂકી છે.આખરે માતાએ અભયમની મદદ માંગતા વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરીને સમજાવવામાં આવ્યો છે.
માતાએ મદદ માંગતા કહ્યું હતું કે,મારો પુત્ર ધોરણ-૮માં ભણે છે.અભ્યાસમાં તેજસ્વી હતો.પરંતુ જ્યારથી મોબાઇલમાં ગેમ રમવાની લતે ચડયો છે ત્યારથી તેની વર્તણૂક સાવ બદલાઇ ગઇ છે.તેનો સ્વભાવ પણ ગુસ્સાવાળો થઇ ગયો છે.
વિદ્યાર્થીને અભ્યાસ પણ કરવાનું ગમતું નથી.સ્કૂલ અને ટયુશને જતો નથી.ભૂખ નથી તેમ કહી ખાવા-પીવાથી પણ દૂર રહે છે.રાતે મોડે સુધી જાગ્યા કરે છે.હવે તે કહે છ ેકે મારે ગેમર બનવું છે.પરિવારજનો પણ તેને ગમતા નથી.જેથી અમને તેની તબિયતની પણ ચિંતા સતાવ્યા કરે છે.
માતાની વાત સાંભળીને અભયમની ટીમ વિદ્યાર્થીને મળી હતી.તેને મોબાઇલના અતિરેકની આડઅસર તેમજ ઊંઘ તેમજ ખોરાક અનિયમિત થવાથી થતા હૃદયની માંસપેસીઓ તેમજ મગજને થતા નુકસાનની માહિતી આપી સમજાવવામાં આવ્યો હતો.જેથી હાલપુરતો તે મોબાઇલ છોડી અભ્યાસ પર ધ્યાન આપવા માટે સંમત થયો હતો.