વડોદરામાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
વડોદરા,તા.11 માર્ચ 2024,સોમવાર
વડોદરામાં આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રો પર સવારે પેપર શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી.
વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ના લાગે અને મનોબળ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ઢોલ વગાડીને તો કેટલાક કેન્દ્રો પર ફૂલ અને ચોકલેટ આપીને સ્વાગત કરાયું હતું
વડોદરામાં આજે ધો.10ની પરીક્ષા માટે ચાર ઝોનના 156 બિલ્ડિંગના 1618 વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 47712 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જો કે તેનાથી કેટલા ગેરહાજર રહેશે તે અંગે DEO કચેરી દ્વારા સાંજે આંકડા જાહેર કરાશે તે રીતે ધો.12 કોમર્સમાં બે ઝોનના 66 બિલ્ડિંગના 630 ક્લાસરૂમમાં 20493 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધો.12 સાયન્સમાં 7548 વિદ્યાર્થીઓ 41 બિલ્ડિંગના 387 વર્ગોમાં પરીક્ષા આપશે. 2500 જેટલા સીસીટીવી કેમેરા પરીક્ષા પર નજર રાખી રહ્યા છે
પરીક્ષા સંબંધિત કોઈ પણ સમસ્યા માટે ડીઈઓ કચેરી ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. પરીક્ષા ચાલશે ત્યાં સુધી સવારના આઠ થી રાત્રે આઠ વાગ્યા સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. કંટ્રોલરુમના 0265 2461703 નંબર પર સંપર્ક કરી શકશે.