પાણીગેટ અજબડી મિલ પાસે ઓટલો તોડી નાંખવાના મુદ્દે મારામારી
માથામાં પાઇપના ફટકા માર્યા : બંને પક્ષની સામસામે ફરિયાદ
વડોદરા,પાણીગેટ અજબડી મિલ પાસે ઓટલો તોડી નાંખવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. જે અંગે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે.
પાણીગેટ અજબડી મિલ પાસે અરબના તકિયા પાસે રહેતા જ્યંતિભાઇ રાજુભાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૦ મી ની રાતે સાડા બાર વાગ્યે અમારા મકાનની સામેની ગલીમાં રસ્તા વચ્ચે ઇંટો તથા સિમેન્ટનો બનાવેલો ઓટલો અમને રસ્તામાં આવતા જતા નડતો હતો. જેથી, મેં તે ઓટલો તોડાવી નાંખ્યો હતો. તે સમયે ત્યાં રહેતા સુનિલભાઇ જગદીશભાઇએ મારી પાસે આવીને મને ગાળો બોલી મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.તેણે લોખંડની પાઇપ વડે મારા પર હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. મારી પત્ની મને સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલમાં લઇ આવી હતી.
જ્યારે સામા પક્ષે મધુબેન સુનિલભાઇએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે અમારા મકાનની સામે બનાવેલો ઓટલો અમારા મહોલ્લામાં રહેતા જ્યંતિભાઇ રાજુભાઇએ તોડી નાંખ્યો હતો. જેથી, મારા પતિ તેઓને કહેવા જતા તેમણે ઉશ્કેરાઇને ઝઘડો કર્યો હતો. હું મારા પતિને છોડાવવા જતા જ્યંતિભાઇએ મને ધક્કો મારતા હું નીચે પડી જતા કપાળ પર ઇજા થઇ હતી. પાણીગેટ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.