સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા ઇજાગ્રસ્તોના સગાઓ વચ્ચે મારામારી
કલાલી વિસ્તારમાં લોનના હપ્તા નહીં ભરવા બાબતે થયેલા ઝઘડા પછી તલવારથી હુમલો કર્યો
વડોદરા,કલાલી વિસ્તારમાં લોનના હપ્તા ભરવા અંગે થયેલી મારામારી બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં માંજલપુર પોલીસે મોકલી આપ્યા હતા. જ્યાં ફરીથી બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બાજવા ગામ ભલાજીની સોસાયટીમાં રહેતો અજય રમણભાઇ વણજારા જી.એસ.એફ.સી.માં વર્કર તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી બહેન રેખાબેન નરેશભાઇ વણજારાની તબિયત સારી નહીં હોવાથી ગઇકાલે બપોરે બે વાગ્યે હું નોકરી પરથી ઘરે આવી તેને સારવાર માટે લઇ ગયો હતો. અને ત્યારબાદ સાંજના સાત વાગ્યે બાઇક પર તેને વડસર તેના ઘરે છોડી આવ્યો હતો. તે દરમિયાના મારા ભાણેજે મને કહ્યું હતું કે, મારા પિતા નરેશભાઇ તથા દિલીપભાઇ વણજારા કલાલી સંતોષીનગર વુડાના મકાન પાસે મારામારી કરે છે. તે સાંભળીને હું તથા મારી બહેન ત્યાં ગયા હતા. ત્યાં જઇને જોયું તો દિલીપભાઇના મકાન પાસે દિલીપભાઇ વણજારા તથા તેમનો પુત્ર તથા ભત્રીજો મારા બનેવી નરેશભાઇ સાથે ઝઘડો કરતા હતા. હું છોડાવવા જતા દિલીપભાઇએ મારી સાથે ઝઘડો કર્યો હતો. દિલીપભાઇના પુત્રે તલવાર વડે મારા પર હુમલો કરી માથા તથા ડાબી કોણી પર ઇજા પહોંચાડી હતી. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.
ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં દિલીપભાઇ ઢગલાજી વણજારા તથા નરેશભાઇ વણજારાના સાળા વિક્રમ બાબુભાઇ વણજારા વચ્ચે મારામારી થઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.