વડોદરાના વારસિયા રીંગરોડ પર પાર્કિંગના મુદ્દે ફર્નિચરના વેપારીઓ વચ્ચે મારામારી
- વારસિયા રીંગરોડ પર પાર્કિંગના મુદ્દે ફર્નિચરના બે વેપારી વચ્ચે ઝઘડો થતાં પિતાના કહેવાથી બે પુત્રોએ વેપારીને લાકડાના ફટકા મારી જીવ લેણી જાઓ પહોંચાડી હતી જે અંગે બહાર પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
વારસિયા રીંગરોડ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા ઉમેશકુમાર શ્રી નેમિચંદ ગુપ્તા ફર્નિચરનો વ્યવસાય કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 10:00 વાગે હું દુકાન ખોલી હતી. બપોરે પોણા ત્રણ વાગ્યે મારી દુકાનની સામે એક સ્કૂટર વાળાએ તેનું સ્કૂટર પાર્ક કર્યું હતું. પરંતુ, મારે ત્યાં ફર્નિચરનો સામાન ભરવા માટે ટેમ્પો આવવાનો હોવાથી મેં દુકાનની બહાર જઈ સ્કૂટર વાળાને અન્ય સ્થળે પાર્ક કરવા જણાવ્યું હતું. તે સમયે સ્કૂટરવાળો કંઈ બોલ્યો ન હતો પરંતુ મારી દુકાનની બાજુમાં આવેલ ધનરાજ ફર્નિચરવાળા ગૌતમભાઈ તેમની દુકાનમાંથી દોડતો બહાર આવી મારી ફેટ પકડી ગાળો બોલવા લાગ્યો હતો અને મને મોઢા પર ફેટો મારવા લાગ્યો હતો. હું મારી દુકાન તરફ દોડતા તે મારી પાછળ પાછળ આવ્યો હતો અને ફેંટો મારવાનું ચાલુ રાખ્યું હતું મારી ફેટ પકડી તે દુકાનની બહાર મને ખેંચી ગયો હતો ગૌતમના પિતા પરસોત્તમભાઈ પણ ત્યાં જ હતા તેમણે બૂમ પાડી તેમના નાના દીકરા મનીષને બોલાવ્યો અને કહેવા લાગ્યા હતા કે મારો સાલે કો છોડના મત એટલે મનીષ પણ દુકાનમાંથી દોડતો આવ્યો અને ધારદાર લાકડું લઈને આજ તેરે કો છોડુંગા નહીં તેમ કહી મને માથામાં તથા બરડા અને ખભાના ભાગે ફટકા માર્યા હતા. હું બચીને મારી દુકાન તરફ દોડતા મનીષ અને ગૌતમ પણ મારી પાછળ દોડ્યા હતા. દરમિયાન મારો દીકરો હિમાંશુ આવતા તેણે વચ્ચે પડીને મને છોડાવ્યું હતો. મારા દીકરાને પણ હુમલાખોરોએ માર માર્યો હતો.