વારસિયા રીંગરોડ પર ફ્લેટના રહીશ અને દુકાનદાર વચ્ચે મારામારી
કપડા સુકવવાના મુદ્દે તકરાર થતા ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા
વડોદરા,કપડા સુકવવાના મુદ્દે ફ્લેટના રહીશ અને દુકાનદાર વચ્ચે ઝઘડો થયો હતો. દુકાનદારે ફ્લેટમાં રહેતા વેપારી પિતા પુત્ર પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
વારસિયા રીંગરોડ પર શ્યામ કોમ્પલેક્સમાં રહેતો દર્શન રાકેશભાઇ લાલકાનો પરિવાર ઘરે ખાખરા બનાવી વેચાણનો ધંધો કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સવા પાંચ વાગ્યે હું તથા મારા પિતા બાઇક પર ખાખરા વેચવા માટે જતા હતા. અમારા મકાનની નીચે આવેલા શિવમ ક્લોથ નામની સાડી, કપડાની દુકાનના માલિક પ્રેમ વાસુદેવભાઇ લાખેટી ( રહે. ઝુલેલાલ મંદિરની સામે, વારસિયા) દુકાનમાંથી બહાર આવી જોર જોરથી બૂમો પાડી કહેવા લાગ્યા હતા કે, મારી દુકાન પર તમારા ઘરના લોકોના કપડા સુકાય છે. તેના પાણીના છાંટા પડે છે. તમારા કપડા તાત્કાલિક ત્યાંથી હટાવી લો.જેથી, મારા મમ્મી છાયાબેને મકાનની ગેલેરીમાંથી કહ્યું કે, હું કપડા હટાવી લઉં છું. મારા મમ્મી કપડા હટાવતા હતા. તે સમયે પ્રેમ તેની દુકાનમાંથી ટેબલ લાવી લાકડી વડે કપડા નીચે પાડી ખરાબ કરવા લાગ્યો હતો. પ્રેમે મારા પપ્પાના કપાળમાં લાકડી મારી દીધી હતી અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. પ્રેમે ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી મારા પિતાને જમણા હાથના બાવડા પર મારીને ઇજા પહોંચાડી હતી. હું છોડાવવા વચ્ચે પડતા પ્રેમે મને ડાબા ખભા, છાતીની નીચેના ભાગે તથા જમણા હાથના કાંડા પર ઇજા પહોંચાડી હતી. મારા પિતાને પણ પ્રેમે કમરના ભાગે ઇજા પહોંચાડી હતી. અમે બૂમાબૂમ કરતા પ્રેમ ધમકી આપીને જતો રહ્યો હતો.