Get The App

રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી : છ સામે ગુનો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
રાંધેજા ફાટક પાસે બે કાર ચાલકોના પરિવાર વચ્ચે મારામારી : છ સામે ગુનો 1 - image


ગાંધીનગર શહેર નજીક આવેલા

ઓવરટેક કરવાના મામલે શરૃ થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું : પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામ પાસે રેલવે ફાટક નજીક ઓવરટેક કરવાના મામલે બે કાર ચાલકો વચ્ચે શરૃ થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને તેમના પરિવાર પણ બાખડી પડયા હતા. જે સંદર્ભે બંને પક્ષે સામ સામે ફરિયાદ થતા પોલીસે છ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

 ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં પ્રમુખ નગર ખાતે રહેતા અને સ્કૂલવાન ચલાવતા જીતેન્દ્રકુમાર બાબુલાલ વ્યાસે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના સમયે તેઓ રેલ્વે ફાટક પાસે પહોંચ્યા હતા તે દરમિયાન ઓવરટેક કરવાના મામલે પાછળથી આવતી કારના ચાલકે તેમની સાથે તકરાર કરી હતી અને ત્યારબાદ આ યુવાન અને તેના પરિવારજનો માર માર્યો હતો.  હુમલો કરતા વચ્ચે પડેલા તેમના પુત્ર અને પત્નીને પણ માર માર્યો હતો. જેથી આ અંગે પેથાપુર પોલીસે અંબાપુર ગામના મન પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને તેમના પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. બીજી બાજુ અંબાપુર ગામે રહેતા મન ઈશ્વરભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રેલવે ફાટક પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ ઊભી રહેલી કાર પાછળ તેમણે કાર ઊભી કરી દીધી હતી.

આ દરમિયાન આગળની સ્કૂલ વાનના ચાલક દ્વારા તેમને કારમાંથી ઉતારીને ગાળા ગાળી કરી હતી. તેમના માતા-પિતાની હાજરીમાં તકરાર કર્યા બાદ ઝપાઝપી કરીને છૂટી ઈંટો મારી હતી. ત્યારબાદ આ ચાલકના પત્ની અને પુત્ર પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે પણ મારામારી કરી હતી. જેથી આ સંદર્ભે પોલીસે જીતેન્દ્ર બાબુભાઈ વ્યાસ, આશાબેન વ્યાસ અને સાહિલ વ્યાસ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી હતી.


Google NewsGoogle News