સંવેદનશીલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પી.એસ.આઇ.અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારી
આજવા રોડ વિસ્તારમાં એક પાર્ટીમાં બોલાચાલી થયા પછી પટ્ટા વડે હુમલો કર્યો હોવાની ચર્ચા
વડોદરા,શહેરના એક અતિ સંવેદનશીલ વિસ્તારના પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ડી સ્ટાફ અન્ય પોલીસ સ્ટેશનની હદમાં આજવા રોડ વિસ્તારમાં એક પાર્ટીમાં ગયો હતો. જે પાર્ટીમાં પી.એસ.આઇ. અને પોલીસ જવાનો વચ્ચે કોઇ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હતી.
શહેર હાલ ચોર ટોળકીની અફવા વચ્ચે ઘેરાયેલું છે. પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર - ઠેર મિટિંગો કરીને લોકોને અફવાથી દૂર રહી કાયદો હાથમાં નહીં લેવા અને એવુ ંકંઇક પણ શંકાસ્પદ જણાય તો તરત પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેવા સમયે પોલીસ બેડામાં હાલમાં એવી વાત ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે કે, શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં થોડા દિવસો પહેલા એક ઘટના ઘટી હતી. ચાલતી ચર્ચા મુજબ, પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પી.એસ.આઇ. અને સ્ટાફ આજવા રોડ વિસ્તારમાં યોજાયેલી એક પાર્ટીમાં ગયો હતો. એવું પણ કહેવાય છે કે, એક કોન્સ્ટેબલના પુત્રની બર્થડે નિમિત્તે પાર્ટી યોજવામાં આવી હતી. પી.એસ.આઇ. અને પોલીસ જવાનો પાર્ટીની મજા માણી રહ્યા હતા. વાતો વાતોમાં પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ ગઇ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઇ કે મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો હતો. કોન્સ્ટેબલે કમર પટ્ટો કાઢી પી.એસ.આઇ. પર હુમલો કર્યો હતો. છેવેટ લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો.
આ ઘટના પછી ડી સ્ટાફના પી.એસ.આઇ. બે દિવસની રજા પર ઉતરી ગયા હતા. તેઓને થયેલી ઇજાના કારણે તેઓ રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ આ પી.એસ.આઇ. વિવાદનું કેન્દ્ર બન્યા હતા.