Get The App

પોલીટેકનિક કોલેજ ખાતે ચકમકઃ વોશરૃમમાં જવું હોય તો મોબાઇલ આપી દો..ચા ની ચુસ્કી માટે દોઢ કિમી જવું પડ્યું

મતગણતરી કેન્દ્રની અંદર અને બહાર વૃક્ષ અને જળની મહત્વતા સમજાઇ,રાતે 3 વાગે જ પોલીસ ગોઠવાઇ ગઇ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
પોલીટેકનિક કોલેજ ખાતે ચકમકઃ વોશરૃમમાં જવું હોય તો મોબાઇલ  આપી દો..ચા ની ચુસ્કી માટે દોઢ કિમી જવું પડ્યું 1 - image

વડોદરાઃ વડોદરા લાેકસભાની ચૂંટણીની પોલીટેકનિક કોલેજ ખાતે કરવામાં આવેલી મતગણતરી દરમિયાન કર્મચારીઓ,પોલીસ અધિકારીઓ તેમજ મીડિયાકર્મીઓ ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા.ચૂંટણીનો પહેલીવાર શુષ્ક માહોલ જોવા મળ્યો હતો.આવા માહોલ વચ્ચે પણ કેટલાક મુદ્દા નોંધપાત્ર રહ્યા હતા.

- ભાજપના વિજેતા ઉમેદવાર ડો.હેમાંગને કોંગ્રેસના ઉમેદવારે વધાઇ આપી

- પોલીટેકનિક કોલેજ ખાતે મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીની લીડ સતત વધી રહી હતી.એક તબક્કે તેમની લીડ ૪ લાખની ઉપર ચાલી જતાં તેમની રેસમાં રહેલા કોંગ્રેસના ઉમેદવાર અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર વિજેતા ઉમેદવારને મળવા ગયા હતા અને હાથ મિલાવી ભેટીને તેમને વધાઇ આપી હતી.

- પોલીટેકનિકના રૃમોમાં ભારે બફારો, મીડિયારૃમના એસી પણ કામ ના લાગ્યા

- પોલીટેકનિક કોલેજ ખાતે લાંબા સમયથી મતગણતરી માટે તૈયારી ચાલતી હતી.દર વખત કરતાં આ સીઝનમાં  ગરમીનો  પારો વધુ ઉંચો હોવાને કારણે તંત્રની વ્યવસ્થા ટૂંકી પડી હતી અને મતગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ,ચૂંટણી એજન્ટો વગેરે ત્રસ્ત થયા હતા.મીડિયારૃમમાં એસી મૂકવામાં આવ્યા હોવા છતાં તેની અસર નહિં જેવી રહી હતી અને બફારો છવાયો હતો.

- મને વોશરૃમમાં જવાદો,મોબાઇલ તમને કેમ આપું

- પોલીટેકનિક કોલેજ ખાતે મીડિયારૃમની બહાર નીકળતા પત્રકારો પર પોલીસની સતત નજર રહેતી હતી.કોઇ પણ પત્રકારને પોલીટેકનિકની બહાર જવું હોય તો કનડગત નહતી.પરંતુ જો પોલીટેકનિકના કોઇ રૃમમાં મતગણતરીના સ્થળે કે વોશરૃમ જવું હોય તો પોલીસને મોબાઇલ સોંપવો ફરજિયાત હતું.જેને કારણે પોલીસ સાથે ચકમક ઝરતી હતી.એક મીડિયા કર્મીએ પોલીસને કહ્યું હતું કે,મારે વોશરૃમ જવું છે તો મોબાઇલ તમને આપીને કેમ જાઉં.વાત વધુ વણસતાં અધિકારી અને પત્રકારોને મધ્યસ્થી કરવી પડી હતી.

- જળ અને વૃક્ષની મહત્વતા દેખાઇ,લોકો બંને શોધતા રહ્યા

- પોલીટકનિક કોલેજના વિશાળ કેમ્પસમાં ઘણાં વૃક્ષો આવેલા છે.સવારે દસ વાગ્યાના અરસાથી જ ગરમીનો અહેસાસ થવા માંડયો હતો.જેને કારણે મતગણતરીની ફરજમાં વ્યસ્ત પોલીસ કર્મીઓ,વાહનોના ડ્રાઇવરો તેમજ અવરજવર કરતા એજન્ટો, મીડિયા કર્મીઓ વગેરે વૃક્ષોનો છાંયો શોધતા હતા.મોટાભાગના લોકો આવા સ્થળે આશરો  લેતા હતા.પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાથી વૃક્ષ અને જળનું મહત્વ દેખાયું હતું.

- ચા ની ચુસ્કી અઘરી લાગી,દોઢ કિમી ચાલીને જવું પડતું હતું

- ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા લોકો  માટે ચા ની ચુસ્કી મોંઘી પડી હતી.કારણકે ઉપરોક્ત સ્થળે વાહનો પાર્કિંગ દૂર રાખવામાં આવ્યું હતું.જેથી ચા કે છાશ ની ટેવવાળા માટે ધોમધખતા તાપમાં દોઢ કિમી ચાલીને જવું પડે તેવી મજબૂરી હતી.

- વાઘોડિયાની પેટાચૂંટણીમાં ક્ષત્રિય મતો નિર્ણાયક હતા,ભાજપની પડખે રહ્યા

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ દોઢ વર્ષમાં જ રાજીનામું આપતાં પેટાચૂંટણી આવી હતી.જેમાં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.આ બેઠક પર ક્ષત્રિય મતો નિર્ણાયક  હતા.જેથી કોંગ્રેસે ક્ષત્રિય મતો અંકે કરવા માટે સ્થાનિક ક્ષત્રિય ઉમેદવાર કનુભાઇ ગોહિલને ટિકિટ આપી હતી.પરંતુ જે રીતે પરિણામ આવ્યું છે તે જોતાં વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય મતદારોનો ઝુકાવ ભાજપના ઉમેદવાર તરફે રહ્યો હતો.

- મતગણતરી કેન્દ્રની બહાર રાતે ૩ વાગે પોલીસનો કાફલો ખડકાયો

પોલીટેકનિક કોલેજની અંદર તેમજ બહાર મતગણતરી શરૃ થાય તે પહેલાં રાતે ૩ વાગે જ પોલીસ  બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેમાં મહિલા પોલીસને પણ તૈનાત કરવામાં આવી હતી.પીઆઇ,એસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ૪ વાગે બંદોબસ્ત તેમજ વ્યવસ્થાની માહિતી મેળવી હતી.એસીપી ડી જે ચાવડાને સુપરવિઝન સોંપવામાં આવ્યું હતું.પોલીસના કડક વલણને કારણે મીડિયા કર્મીઓ સાથે ચકમકના બનાવ પણ  બન્યા હતા.


Google NewsGoogle News