કેશડોલ, શોપ સર્વે અને હવે સોસાયટી સર્વે સિટિ સર્વે કચેરીની કામગીરી ઠપ પ્રોપર્ટીકાર્ડને લગતા કામો ટલ્લે ચડયા
છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી ફિલ્ડમાં ફરતા કર્મચારીઓ આજે કચેરીમાં જણાતાં જ લોકોના રોષનો ભોગ બન્યા
વડોદરા, તા.19 વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ સરકારી કચેરીઓનો મોટો સ્ટાફ સર્વે તેમજ રાહત ચૂકવણીમાં જોતરાતા લોકોના રોજિંદા કામો જ્યાં થાય છે અને અરજદારોની સૌથી વધારે અવરજવર હોય છે તેવી કચેરીઓ ખાલી થઇ જતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. આજે કેટલાંક દિવસો બાદ કેટલીક કચેરીઓમાં રોજિંદી કામગીરી શરૃ થતાની સાથે જ સ્ટાફના માણસોએ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું.
ઉલ્લેખનીય છે કે પૂરની સ્થિતિ બાદ તંત્ર દ્વારા મોટાભાગની કચેરીઓના સ્ટાફનો કામગીરીમાં ઓર્ડર કરતાં કર્મચારીઓ પોતાની કચેરી છોડીને બહાર ફિલ્ડમાં ફરતા હોય છે અને તેના ફોટા પણ પોતે ક્યાં છે તે પુરાવાના ભાગરૃપે અપલોડ કરવાના હોય છે. ખાસ કરીને પ્રોપર્ટીકાર્ડને લગતી સિટિ સર્વે કચેરીઓના અધિકારીઓ અને સ્ટાફને પૂરની કામગીરીમાં જોડાતા છેલ્લા ઘણા સમયથી ચારેય સિટિ સર્વે કચેરીની કામગીરી ઠપ થઇ ગઇ છે. આ કચેરીમાં કામો નહી થઇ શકતાં તેની અસર અન્ય કચેરીઓ પર પણ પડી રહી છે અને સરકારની આવકનો લક્ષ્યાંક પૂરો થાય તેના પર શંકા વ્યક્ત કરાઇ રહી છે.
પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી વ્યક્તિને અશાંતધારાની મંજૂરીની જરૃર રહેતી હોય છે. જ્યારે અશાંતધારાની મંજૂરી માટે અરજદાર એસડીએમ ઓફિસમાં જાય ત્યારે જે તે મિલકતની મહેસૂલની રકમ ભરાઇ છે કે નહી તેનો આગ્રહ રાખવામાં આવે છે જ્યારે અરજદાર મહેસૂલ ભરવા માટે સિટિ સર્વેની કચેરીમાં જાય ત્યારે કોઇ સ્ટાફ હાજર હોતો નથી અને ફિલ્ડમાં છે તેવા જવાબો મળતા હોય છે જેના પગલે દસ્તાવેજ કરવાની કામગીરી પર તેની અસર પડી રહી છે. છેલ્લા બે સપ્તાહ ઉપરાંતથી સિટિ સર્વે કચેરીની કામગીરી ઠપ થઇ ગઇ છે.
આજે મોટાભાગની સિટિ સર્વે કચેરીઓ થોડે અંશે શરૃ થઇ ત્યારે અરજદારોએ કચેરીના સ્ટાફ પર રોષ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ કલેક્ટર કચેરી દ્વારા સિટિ સર્વે કચેરીના સ્ટાફનો કેશડોલની ચૂકવણીમાં ઓર્ડર કર્યો હતો બાદમાં શોપ સર્વેમાં અને હવે સોસાયટી સર્વેમાં ઓર્ડર કરવામાં આવતાં કર્મચારીઓ પોતાની ફરજના સ્થળે ભાગ્યે જ જોવા મળતાં હોય છે. લાંબા સમયથી સિટિ સર્વેની કચેરીઓમાં કોઇ જોવા નહી મળતાં અરજદારોની ધીરજ પણ ખૂટી ગઇ છે. આજે ચારેય સિટિ સર્વે કચેરીઓમાં સ્ટાફના માણસોએ લોકોના રોષનો ભોગ બનવું પડયું હતું.
કેટલીક સરકારી કચેરીઓનાં
સ્ટાફનો તગડો પગાર છતાં પૂરની કામગીરી સોંપાતી નથી
પૂરની સ્થિતિ બાદ લોકોને રાહત થાય તે માટે નાગરિકો સાથે સીધો સંપર્ક ધરાવતી કચેરીઓના સ્ટાફના બદલે અન્ય કચેરીઓના સ્ટાફને આવી કામગીરી માટે ઓર્ડર કરવા જોઇએ તેવી માંગણી કર્મચારીઓ દ્વારા ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે કેશડોલ, શોપ સર્વે અને સોસાયટી સર્વે માટે મામલતદાર કચેરી, સિટિ સર્વે કચેરી, રેશનકાર્ડની લગતી કચેરીના સ્ટાફ, તલાટી કચેરી સહિતના રેવન્યૂ કર્મચારીઓના ઓર્ડરો કરીને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીના પગલે રેશનકાર્ડ અથવા સિટિ સર્વે તેમજ તલાટી ઓફિસમાં આવતા રોજ હજારો અરજદારોને ધરમના ધક્કા ખાવા પડતાં હોય છે અને લોકો હેરાન પેરશાન થઇ ગયા છે.
બીજી બાજુ સરકારની અનેક કચેરીઓ એવી છે જ્યાં આરામથી કર્મચારીઓ ફરજ બજાવે છે અને તગડો પગાર લે છે. ગેરી, સરદાર સરોવર નિગમ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સિંચાઇ જેવી કચેરીઓના સ્ટાફને પણ આવી કામગીરીમાં જોડવામાં આવે તેવી લાગણી કર્મચારીઓમાં વ્યાપી છે.