વડોદરાના વડીવાડી વિસ્તારમાં ગણેશ સ્થાપનાની મંજૂરીના મુદ્દે અથડામણ,10 ઘાયલ

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
વડોદરાના વડીવાડી વિસ્તારમાં ગણેશ સ્થાપનાની મંજૂરીના મુદ્દે અથડામણ,10 ઘાયલ 1 - image

વડોદરાઃ ગેંડા સર્કલ પાસે વડીવાડી ગામે ગણેશ સ્થાપના માટે કોર્પોરેશને બનાવેલા ચોરાની મંજૂરીના મુદ્દે ગઇકાલે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતાં બંને પક્ષે કુલ દસેક જણાને ઇજા થઇ હતી.સયાજીગંજ પોલીસે સામસામે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત બનાવ અંગે વડીવાડીની નૂતન ભારત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પટેલે પોલીસને ક્હ્યું છે કે,વડીવાડી ખાતેના ચોરા (રાધાક્રિષ્ણની વાડી)નો વહીવટ મારા ભાઇ રણછોડભાઇ કરે છે અને કોઇ પણ પ્રસંગની ઉજવણી હોય તો તેઓ અરજી લઇ અશોકભાઇ સિસોદીયા પાસે મંજૂરી લેતા હોય છે.

ગઇકાલે રાતે રમેશભાઇ પઢિયારના પત્નીએ તેમને ફોન કરી અમે ઓફિસે આવીએ કે ઘેર આવીએ તેમ પૂછ્યું હતું.જેથી રણછોડભાઇ ઓફિસે પહોંચ્યા હતા.આ વખતે રમેશભાઇના પત્નીની સાથે કેટલીક મહિલાઓ તેમજ મુકેશ પઢિયાર, વિષ્ણુ ચૌહાણ સહિતના ૨૯ જેટલા લોકોએ રણછોડભાઇ પાસે ગણેશ સ્થાપનાની મંજૂરી માંગી હતી.જેથી બોલાચાલી થતાં અમારા પર લાકડી અને પાઇપ વડે હુમલો થતાં છ જણાને ઇજા થઇ હતી.

તો સામે પક્ષે પાર્વતીબેન રમેશભાઇ પઢિયારે કહ્યું છે કે,અમે બહેનો કહેવાતા પ્રમુખ રણછોડભાઇ પટેલ પાસે મંજૂરી માંગવા ગયા ત્યારે તેમણે લેખિતમાં અરજી માંગી હતી.જેથી અમે કહ્યું હતું કે,તમે ૫૮ સભ્યોની મીટિંગ બોલાવો અને નવા પ્રમુખની નિમણૂક કરો.આ વખતે રણછોડભાઇના ભાઇ જીતુભાઇ કૂદી પડયા હતા અને ક્ષત્રિય સમાજ માટે બેફામ ઉચ્ચારણો કરતાં અન્ય લોકોએ તેમનો વિરોધ કર્યો હતો.જેથી જીતુ પટેલ, રણછોડ પટેલ સહિતના સાત લોકોએ ચપ્પુ,પાઇપ જેવા સાધનોથી હુમલો કરતાં ચાર જણાને ઇજા થઇ હતી.સયાજીગંજ પોલીસે બંને પક્ષે સામસામી ગુના નોંધ્યા છે.


Google NewsGoogle News