સાવલીની કોલેજમાં ગરબાના કાર્યક્રમમાં વિધર્મી ગીત વાગ્યા બાદ મારામારી
ટુંડાવના ચાર શખ્સોએ પટ્ટા અને પથ્થરોથી હુમલો કરતા કોલેજના છ વિદ્યાર્થીઓ ઘાયલ
સાવલી તા.૨ સાવલીની ી બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિના ગરબાના કાર્યક્રમમા વગાડવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ કોલેજ કમ્પાઉન્ડની બહાર ટુંડાવ ગામના ચાર શખ્સોએ પટ્ટાથી અને પથ્થરોથી હુમલો કરી છ વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડી હતી.
બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિ નિમિત્તે શનિવારે ગરબાનું આયોજન કરાયું હતું. કોલેજ કમ્પાઉન્ડમાં ડીજેના તાલે કોલેજના ૧૦૦ થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ગરબા રમતા હતા અને કોલેજ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરી હોવાથી બ્રેક સમયે નાસ્તો ચાલતો હતો ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા અને ટુંડાવમાં રહેતા રાઠોડ આમિન ગુલાબ નબી, નિઝામી મોઈન નુરમહંમદ, ઘાંચી અમનભાઈ ફિરોજભાઈ અને ચૌહાણ મહમદનુમાન મહમદહનીફે ડીજેના સંચાલક પાસે જઈ અમારા ધર્મનું પણ ગીત વગાડો તેમ કહેતાં ડીજે સંચાલકોએ મુસ્લિમ ધર્મ સંબંધીત ગીત વગાડયું હતું.
ગરબાના કાર્યક્રમમાં વિધર્મી ગીત વાગતા કોલેજના વિદ્યાર્થીઓએ ભેગા મળીને નવરાત્રિ એ હિંન્દુ ધર્મનો તહેવાર છે જેથી કોલેજના કમ્પાઉન્ડમાં આવા વિધમી ગીત વાગે એવી અપેક્ષા રાખો છો તે ખોટી બાબત છે તેમ કહેતાં જ ચારેય વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી જો કે તે સમયે આચાર્ય અને પ્રાધ્યાપકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો.
ગરબા પૂરા થયા બાદ બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિશ્વજીતસિંહ રાજેન્દ્રસિંહ મહીડા તેના મિત્રો સાથે ઘેર જવા માટે નીકળ્યા હતા ત્યારે કોલેજના ગેટની બહાર ઉભેલા ચારેેય શખ્સોએ રોકીને તું કોલેજનો લીડર થઈ ગયો છે આજે એને પતાવી દઈએ તેવું કહીને વિશ્વજીતસિંહ પર લોખંડના પટ્ટાથી અને પથ્થરો મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં અન્ય પાંચ વિદ્યાર્થીઓ પર પણ હુમલો કરી તેમને ઇજા પહોંચાડી હતી. દરમિયાન બૂમાબૂમ થતા લોકો ભેગા થઇ જતા ચારેય હુમલાખોરો પોતાના વાહનો લઇને ભાગી ગયા હતાં. સાવલી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.