ફતેપુરા ભાંડવાડામાં બે કોમના યુવકો વચ્ચે મારામારી : સામસામે ફરિયાદ

સામાન્ય મારામારીના ઉગ્ર પડઘા ના પડે તે માટે પોલીસે તકેદારીરૃપ પગલા ભર્યા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ફતેપુરા ભાંડવાડામાં બે કોમના યુવકો વચ્ચે મારામારી : સામસામે ફરિયાદ 1 - image

 વડોદરા,ફતેપુરા ભાંડવાડામાં નજીવી બાબતે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના પગલે મારામારી થઇ હતી. જે અંગે બંને યુવકોએ વારસિયા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

ફતેપુરા ભાંડવાડા માળી મહોલ્લામાં રહેતા ધવલ રમેશભાઇ માળીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે સાડા બાર વાગ્યે હું ભાંડવાડા વિસ્તારમાંથી પસાર થતો હતો. તે દરમિયાન મોહંમદબશર શકીલએહમદ શેખે ( રહે.હાજી મહોલ્લો, ભાંડવાડા, ફતેપુરા) મને રોકીને કહ્યું હતું કે, તું મને જોઇને બબડતો અહીંયાથી કેમ જાય છે ? તે મારી સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. મેં તેને શાંતિ રાખી ગાળો નહીં બોલવાનું કહેતા તેણે પ્લાસ્ટિકની પાઇપ વડે મારા પર હુમલો કરી હાથ, પગ તેમજ બરડા પર ઇજા પહોંચાડી હતી. અને એવી ધમકી આપી કે, તું ચલા જા, યહાં દિખને કા નહીં, યહાં સે નિકલેગા તો જાનસે માર ડાલુંગા.

જ્યારે સામા પક્ષે મોહંમદબશર શકીલએહમદ શેખે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,ધવલ મારી સામે આંખો કાઢીને જોતો હતો. જેથી, મેં તેને કહ્યું કે, મારી બાજુ કેમ જુવે છે ? તે મારા પર ઉશ્કેરાઇ ગયો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી માર માર્યો હતો.

વારસિયા પોલીસે બંને  પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ હોવાથી તેના ઉગ્ર પ્રત્યાઘાત ના પડે તે માટે પોલીસે જરૃરી પગલા ભર્યા હતા.


Google NewsGoogle News