વડોદરા: નવા બજાર કાળુપુરામાં ગઈ રાત્રે સામાન્ય અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ
વડોદરાના નવા બજાર કાળુપુરા વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટનાના પગલે બે જૂથો અમને સામને આવી જતા છુટા હાથની મારામારી અને મારક હથિયારોથી હુમલો કરવાના બનાવો બનતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ પાંચ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા નવા બજાર કાળુપુરા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે સામાન્ય અકસ્માત થયાના મુદ્દે બે જૂથ અમને સામને આવી ગયા હતા જેને કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સામ સામે થયેલી મારા મારી અને મારક હથિયારના હુમલામાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના બેન મોમાયા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો દરમિયાનમાં લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. મારક હથિયારો વડે હુમલો કરનારા પાંચ વ્યક્તિની તાત્કાલિક અસરથી અટકાયત કરી મામલો શાંત પાડવામાં આવ્યો હતો જ્યારે ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
સામાન્ય અકસ્માતના બનાવના પગલે નવા બજાર ફતેપુરા માંડવી થી ચાંપાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી મામલો શાંત પડ્યો હતો.
બનાવ અંગે ડીસીપી પન્નાબેન મોમાયાએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેથી આ બનાવની જાણ થતા ગણતરીની મિનિટોમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો દરમ્યાનમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીના કિસ્સામાં પાંચ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે જ્યારે ઘવાયેલા ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ હુમલા અને મારામારીના કિસ્સાના સીસીટીવી ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.