સાવલીમાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો ઃ ત્રણ વ્યક્તિને ઇજા
માળીવગા પાસે થયેલી હિંસક અથડામણમાં બે કારના કાચ તૂટયા ઃ પોલીસ કાફલો ખડકી દેવાયો
સાવલી તા.૨૮ વડોદરા જિલ્લાના સાવલી નગરમાં બે કોમના યુવકો વચ્ચે અગાઉ થયેલ મારામારીની અદાવત રાખી આજે સાંજે ઝઘડા બાદ બંને કોમના યુવાનો વચ્ચે સામસામે પથ્થરમારો થતાં ત્રણ યુવકોને ઇજા થઇ હતી. જો કે સ્થિતિ વધુ બગડે તે પહેલાં પોલીસે પહોંચી તોફાન પર અંકુશ મેળવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સાવલીના માળીવગો વિસ્તાર અને વડોદરા ભાગોળ વિસ્તારના યુવકો વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. દરમિયાન આજે સાંજના સમયે વડોદરા ભાગોળ વિસ્તારના ત્રણ યુવકો માળી વગા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે વિસ્તારના માળી વગા વિસ્તારના કેટલાક યુવકોએ લઘુમતી કોમના યુવકોને રોકીને લાકડી અને અન્ય સાધનો વડે ઢોર માર માર્યો હતો. આ બનાવની જાણ વડોદરા ભાગોળ વિસ્તારના લોકોને થતા તેઓ ઠપકો આપવા અને વાતચીત કરવા માટે ગયા હતાં.
ઝઘડા દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૃ કરી દીધો હતો. આ પથ્થરમારામાં બે કારોના કાચ પણ તૂટી ગયા હતાં. નગરમાં પથ્થરમારો થયો હોવાની જાણ સાવલી પોલીસને થતા પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં કાબૂ મેળવ્યો હતો.
પથ્થરમારામાં ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે દવાખાનામાં ખસેડી સાવલી પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. બનાવના પગલે નગરમાં અફવાઓએ જોર પકડયું હતું પરંતુ સાવલી પોલીસે બંદોબસ્ત ગોઠવીને તાલુકાના અન્ય પોલીસ મથકનો ફોર્સ પણ સાવલીમાં ખડકી દીધો છે. નગરમાં અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે અને પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ ચાલુ કર્યું છે.