આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારીથી દોડધામ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આજે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારામારીએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા કર્યા છે.
મળતી વિગતો પ્રમાણે આર્ટસ ફેકલ્ટીમાં હાલમાં પહેલા વર્ષની ઈન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે.આજે પરીક્ષા પૂરી થયા બાદ એક વિદ્યાર્થી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અન્ય એક વિદ્યાર્થીએ મજાકમાં તેનો શર્ટ ખેંચ્યો હતો અને તેના કારણે શર્ટ ફાટી ગયો હતો.
એ પછી આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ પછી બંને વિદ્યાર્થીઓની તરફેણમાં કેટલાક બીજા વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને જોત જોતામાં મારામારી શરુ થઈ જતા આર્ટસ ફેકલ્ટીમાં દોડધામ થઈ ગઈ હતી.
યુનિવર્સિટીની સિક્યુરિટી રાબેતા મુજબ પાછળથી આવી હતી.આ ઘટનાએ દર્શાવ્યુ છે કે, કેમ્પસની સુરક્ષાને લઈને યુનિવર્સિટી સીક્યુરિટી સ્હેજ પણ ગંભીર નથી.યુનિવર્સિટીની સુરક્ષા માત્ર હેડ ઓફિસ અને વાઈસ ચાન્સેલરની સુરક્ષા પૂરતી સિમિત રહી ગઈ છે.એમ.એસ.યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે જ્યાં બોયઝ કરતા ગર્લ્સની સંખ્યા વધારે છે.આમ છતા યુનિવર્સિટી સત્તાધીશોને કેમ્પસમાં સુરક્ષાની સ્હેજ પણ દરકાર નથી અને જો ભવિષ્યમાં કોઈ અનિચ્છિનિય ઘટના બની તો તેના માટે સિક્યુરિટીની માત્ર હેડ ઓફિસની સુરક્ષા જ કરવાની નીતિ જવાબદાર હશે તેવુ યુનિવર્સિટી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.
આઈ કાર્ડ ચેકિંગના અભાવે
આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન પર બહારના તત્વોનો અડિંગો
આજની મારામારી બાદ ચાલી રહેલી ચર્ચા પ્રમાણે આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં ફરી એક વખત બહારના તત્વો અડિંગો જમાવવા માંડયા છે.અગાઉ પણ આર્ટસ ફેકલ્ટીમાં નામચીન બનેલા જૂથ સાથે આ તત્વો સંકળાયેલા છે અને હવે રોજ આવીને બેસી રહ્યા છે પણ યુનિવર્સિટીની સિક્યુરિટીને તેની કોઈ જાણ નથી અથવા જાણ છે તો સિક્યુરિટી આંખ આડા કાન કરી રહી છે.બહારના તત્વો છડેચોક અહીંયા કલાકો સુધી પડયા પાથર્યા રહેતા હોવા છતા હેડ ઓફિસ પર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવીને સંતોષ માની રહેલી સિક્યુરિટી અને વિજિલન્સ ફેકલ્ટીમાં આઈ કાર્ડ ચેકિંગ કરવાની તસ્દી લેશે કે કેમ તે એક સવાલ છે.