પ્રેમીપંખીડા લગ્ન માટે ભાગી ગયા બાદ બંને પક્ષના કુંટુંબીઓ વચ્ચે ધિંગાણું
દૂધ ડેરીમાં જ મારક હથિયારો સાથે હુમલામાં બંને પક્ષના પાંચને ઇજા ઃ સામસામે પોલીસ ફરિયાદ
વડોદરા, તા.25 પાદરા તાલુકાના કર્ણાકૂવા ગામે પ્રેમીપંખીડા લગ્નના ઇરાદે ગામ છોડીને જતા રહ્યા બાદ યુવક અને યુવતીના સગાઓ વચ્ચે દૂધ ડેરી પાસે ધિંગાણું થતાં બંને પક્ષે પાંચ વ્યક્તિને ઇજા થઇ હતી. બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
કર્ણાકૂવા ગામે રાઠોડ ફળિયામાં રહેતા વિક્રમસિંહ ઉદેસિંહ રાઠોડે ગામમાં રહેતા કુલદિપસિંહ વિક્રમસિંહ ચૌહાણ, રોહિતસિંહ વિક્રમસિંહ ચૌહાણ, કિરણસિંહ પ્રવિણસિંહ ચૌહાણ, વિક્રમસિંહ રણજીતસિંહ ચૌહાણ, પ્રદિપસિંહ બહાદુરસિંહ ચૌહાણ, પંકજસિંહ બહાદુરસિંહ ચૌહાણ અને ક્રિશ પ્રહલાદસિંહ ચૌહાણ સામે વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો મોટો પુત્ર રાજેન્દ્રસિંહને ગામમાં રહેતા નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણની પુત્રી નમ્રતા સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને લગ્ન કરવા માટે ગામ છોડીને તા.૨૨ના રોજ બપોરે ક્યાંક જતા રહ્યા હતાં.
બાદમાં બીજા દિવસે સવારે હું ગામની દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે ગયો ત્યારે ઉપરોક્ત શખ્સો લાકડી, લોખંડનો સળિયો અને ચપ્પુ જેવા મારક હથિયારો સાથે આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં મને તેમજ દૂધ ડેરીના મંત્રી સંજય ધીરુભાઇ રાઠોડ અને તેમના ભાઇ અનિલને ઇજા થઇ હતી. હુમલાના પગલે બૂમાબૂમ થતાં ગામના લોકો ભેગા થઇ જતા હથિયારો સાથે હુમલાખોરો ભાગી ગયા હતાં.
સામા પક્ષે રાજદિપસિંહ વિક્રમસિંહ ચૌહાણે દૂધ ડેરીના મંત્રી સંજય રાઠોડ અને તેના ભાઇ અનિલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા કુંટુંબી કાકા નરેન્દ્રસિંહની પુત્રી નમ્રતાને રાજેન્દ્રસિંહ ભગાડી ગયો હતો. બાદમાં આજે સવારે હું નોકરી પર જતો હતો ત્યારે દૂધ ડેરી પાસે ઝઘડો ચાલતો હોવાથી હું ત્યાં ગયો ત્યારે મારા કુંટુંબી કાકી સુમનબેન, રક્ષાબેન અને ભાભી વૈશાલી સાથે સંજય તેમજ તેનો ભાઇ અનિલ ઝઘડો કરતા હતાં. આ વખતે મારો નાનો ભાઇ કુલદિપ અને કુંટુંબી કાકા કિરણસિંહ છોડાવવા વચ્ચે પડતાં બંનેએ અપશબ્દો બોલી કુલદિપ અને કિરણસિંહને માર માર્યો હતો.