પોલીટેકનિકમાં છુટ્ટા હાથની મારામારી, એક વિદ્યાર્થીને માથામાં ઈજા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીથી ભારે દોડધામ મચી ગઈ હતી.યુનિવર્સિટી પાસેથી કરોડો રુપિયાની કમાણી કરતી સિક્યુરિટી કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાની પોલમ પોલ આ મારામારીથી છતી થઈ ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે આ મારામારીમાં આર્કિટેક્ચર વિભાગમાં એફવાયમાં ભણતા એક વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચી હતી અને તે લોહી લુહાણ થઈ ગયો હતો.બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.જોકે તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઈનકાર કર્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. વિદ્યાર્થી પર હુમલો કરનારા સિવિલ એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ હતા.અંગત અદાવતના કારણે આ મારામારી થઈ હોવાનુ વિદ્યાર્થી આલમમાં ચર્ચાઈ રહ્યુ હતુ.જોકે તેના કારણે વિદ્યાર્થી આલમમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ હતી.જો આ પ્રકારે કેમ્પસમાં મારામારીઓની ઘટનાઓ ના અટકી શકતી હોય તો સિક્યુરિટીને કરોડો રુપિયા ચૂકવવાનો અર્થ શું તેવો સવાલ પણ વિદ્યાર્થીઓમાં ઉભો થયો હતો.